અઝરબૈજાનની મહિલા ઍથ્લીટ પર આજીવન પ્રતિબંધ મુકાયો, જાણો શું છે કારણ…

બાકુઃ અઝરબૈજાન નામનો દેશ ભારતના દુશ્મનદેશ પાકિસ્તાનને ભારત વિરુદ્ધ મદદ કરી રહ્યો હોવાથી થોડા દિવસથી ભારતીયોમાં ખૂબ ચર્ચામાં છે, પરંતુ આ એક એવી ઘટના છે જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. વાત એવી છે કે અઝરબૈજાન (Azerbaijan)ની એક મહિલા ઍથ્લીટે પોતે અંધ હોવાનું સર્ટિફિકેટ આપીને 2020ની ટોક્યો પૅરાલિમ્પિક્સની જુડોની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીતી હતી, પરંતુ તે હવે વિવાદાસ્પદ થઈ ગઈ છે. તેના પર એક મહત્ત્વના કારણસર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શહાના હાજિયેવા (Shahana Hajiyeva) નામની આ જુડોકાએ 48 કિલો વર્ગની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ઘણા દેશોની હરીફો વચ્ચે તે ચૅમ્પિયન બનતાં સુવર્ણ ચંદ્રક જીતી હતી. તે 2023ની યુરોપિયન પૅરા ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીતી હતી.
આ પણ વાંચો: ફિગર સ્કેટિંગના ચૅમ્પિયનોની જેમ ભૂતકાળમાં અનેક ઍથ્લીટો-ખેલાડીઓના વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા હતા
પૅરાલિમ્પિક્સમાં કે પૅરા તરીકે ઓળખાતી કોઈ પણ ખેલકૂદ સ્પર્ધામાં એવા ઍથ્લીટો-ખેલાડીઓ ભાગ લઈ શકે છે જેઓ સંપૂર્ણપણે કે આંશિક રીતે જોઈ ન શકતા હોય કે તેમને બીજી કોઈ શારીરિક ખોડખાપણ હોય.
24 વર્ષની શહાના ગયા વર્ષે પૅરિસ પૅરાલિમ્પિક્સ ચૂકી ગઈ હતી, પરંતુ તાજેતરમાં તેણે કઝાખસ્તાનની પૅરા જુડો ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જોકે પોતે આંશિક રીતે જોઈ નથી શક્તી એવું જે સર્ટિફિકેટ તેણે સ્પર્ધાની શરૂઆત પહેલાં આયોજકોને આપ્યું હતું એની ચકાસણી થતાં જાણવા મળ્યું હતું કે તે આંશિક રીતે જોઈ ન શક્તા ઍથ્લીટોના વર્ગની સ્પર્ધક ન કહેવાય. બીજી રીતે કહીએ તો તે પૅરાલિમ્પિક્સમાં ભાગ લેવાને પાત્ર હતી જ નહીં.
શહાના જે-ટૂ (J-2) કૅટેગરીમાં હતી અને આ વર્ગ માટે અગાઉ જે નિયમો હતા એમાં ફેરફાર થયા છે. અગાઉ જે-ટૂ કૅટેગરીમાં આંખને લગતી જે બીમારીઓ હતી એ હવે જે-ટૂ કૅટેગરીમાંથી કાઢી નાખવામાં આવી છે. શહાનાને આંખની જે ક્ષતિ છે એ હવે પૅરા ગેમ્સ માટેની જે-ટૂ કૅટેગરીમાં ન આવતી હોવાથી તે હવે પછી દિવ્યાંગો માટેની પૅરા ગેમ્સમાં ભાગ નહીં લઈ શકે.