
અમદાવાદ: 2022માં ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું અને એ જ વર્ષમાં વિજેતાપદ મેળવીને નવો ઇતિહાસ રચ્યો હતો. હાર્દિક પંડ્યાના સુકાનમાં ત્યારે એ ટીમે 2023ની સીઝનમાં રનર-અપની ટ્રોફી મેળવી હતી, પરંતુ આ વખતે શુભમન ગિલની કૅપ્ટન્સીમાં આ ટીમના વળતા પાણી છે. છમાંથી ત્રણ મૅચ જીતેલી અને ત્રણ મૅચ હારેલી ગુજરાતની ટીમે અમદાવાદમાં દિલ્હી કૅપિટલ્સ સામે તો હદ કરી નાખી. નવમા નંબરની દિલ્હી સામે ગુજરાતની ટીમ બૅટિંગ મળ્યા બાદ માત્ર 89 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને એ સાથે આઇપીએલ-2024નો નવો નીચો ટીમ-સ્કોર નોંધાયો હતો. પહેલી એપ્રિલે વાનખેડેમાં મુંબઈ સામે રાજસ્થાનનો સ્કોર 125/9 હતો જે સૌથી નીચો હતો.
ખુદ ગુજરાત ટાઇટન્સનો આઇપીએલના ઇતિહાસમાં આ (89 રન) લોએસ્ટ સ્કોર છે. અફઘાનિસ્તાનનો ઇન્ફૉર્મ પ્લેયર રાશીદ ખાને 24 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 31 રન બનાવ્યા એને બાદ કરતા બીજો કોઈ બૅટર 15 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. ‘આયારામ ગયારામ’ના માહોલમાં ગુજરાતે 11મા રને પ્રથમ વિકેટ ગુમાવી અને સમયાંતરે વિકેટ પડતી રહી હતી. 30 રનમાં તો ચાર વિકેટ પડી ગઈ હતી જેમાંની એક વિકેટ શુભમન ગિલ અને ડેવિડ મિલર જેવા મુખ્ય બૅટરની હતી.
જેના પર વધુ ભરોસો હતો એ સાંઈ સુદર્શન 12 રને અને રાહુલ તેવટિયા 10 રને આઉટ થઈ ગયો હતો.
દિલ્હીના બોલર્સમાં મુકેશ કુમાર (2.3-0-14-3) સૌથી સફળ હતો. ઇશાંત અને સ્ટબ્સે બે-બે વિકેટ તથા ખલીલ અને અક્ષરે એક-એક વિકેટ લીધી હતી. કુલદીપને ચાર ઓવરમાં વિકેટ નહોતી મળી, પણ તેનો 4.00નો ઇકોનોમી રેટ ટીમમાં સૌથી નીચો હતો.