અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન્સી હજી હમણાં તો અપાઈ અને અચાનક છીનવાઈ પણ ગઈ! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન્સી હજી હમણાં તો અપાઈ અને અચાનક છીનવાઈ પણ ગઈ!

મુંબઈઃ ભારતના સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) પાસેથી અચાનક જ ટી-20 ટીમની વાઇસ-કૅપ્ટન્સી પાછી લઈ લેવામાં આવી એ મુદ્દો પણ શ્રેયસ ઐયરને એશિયા કપ (Asia Cup) માટેની ટીમમાં ન સમાવવા જેટલો ચર્ચાસ્પદ થઈ ગયો છે અને એ માહોલમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ટકોર કરતા કહ્યું છે કે ` આશા રાખું છું કે ઉપ-કપ્તાનપદ પાછું લઈ લેવામાં આવી રહ્યું છે એવું અક્ષરને અગાઉથી જણાવાયું જ હશે અને તેને એની જાણ સીધી પ્રેસ કૉન્ફરન્સ દ્વારા નહીં જ થઈ હોય. તેણે એવું કંઈ ખોટું નથી કર્યું કે તેની પાસેથી વાઇસ-કૅપ્ટન્સી આ રીતે ઓચિંતી લઈ લેવામાં આવે. આ પાછળના કારણ જાણવાનો તેને પૂરો અધિકાર છે.’

` બીજા જાડેજા’ જેવી ગણના

જેમ શ્રેયસ ઐયર ભારતની તો શું, વિશ્વની કોઈ પણ ટીમના કોઈ પણ ફૉર્મેટની ટીમમાં ફિટ બેસે એવો બૅટ્સમૅન છે એમ અક્ષર પટેલ ભારતની કોઈ પણ ટીમમાં બંધબેસે એવો ઑલરાઉન્ડર છે. આણંદ શહેરમાં જન્મેલા 31 વર્ષીય અક્ષરે ભારત વતી ત્રણેય ફૉર્મેટ મળીને કુલ 153 મૅચમાં 2,000 જેટલા રન કર્યા છે અને 200 જેટલી વિકેટ લીધી છે. તેણે 2014માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી અને થોડા જ વર્ષમાં તેની ગણના ` બીજા રવીન્દ્ર જાડેજા’ તરીકે થવા લાગી હતી. જાડેજા જેવા લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અને લેફ્ટ-આર્મ સ્પિનર અક્ષરે ભરોસાપાત્ર ઑલરાઉન્ડર (Allrounder)ના રૂપમાં રમીને ભારતને ઘણી મૅચો જિતાડી આપી છે.

વર્લ્ડ કપમાં બહુમૂલ્ય યોગદાન

આ વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે રમાયેલી પાંચ મૅચની ટી-20 સિરીઝ ભારતે 4-1થી જીતી લીધી હતી. એ શ્રેણીમાં અક્ષર વાઇસ-કૅપ્ટન હતો. એ સિરીઝમાં અક્ષર કુલ છ વિકેટ લઈને તમામ બોલર્સમાં ચોથા નંબર પર હતો. શ્રેણીમાં પાંચથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં અક્ષરનો 7.07નો ઇકોનોમી-રેટ સર્વોત્તમ હતો. જૂન, 2024માં ટી-20ના વર્લ્ડ કપમાં ભારતને ટાઇટલ અપાવવામાં અક્ષરનું મહત્ત્વનું યોગદાન હતું. ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં તે 23 રનમાં ત્રણ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં તેણે ભારતને 3/34ના ધબડકામાંથી બહાર લાવીને 31 બૉલમાં 47 રન કર્યા હતા અને પછીથી ટ્રિસ્ટેન સ્ટબ્સની મહત્ત્વની વિકેટ પણ લઈને મૅચ ભારતની તરફેણમાં લાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 2021માં અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં અક્ષરે આર. અશ્વિન અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ બોલરની હાજરીમાં કુલ 11 વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. વન-ડેમાં તે ફક્ત એક વખત, પરંતુ ટી-20 ઇન્ટરનૅશનલમાં સાત વખત મૅન ઑફ ધ મૅચ બની ચૂક્યો છે.

વરુણ, કુલદીપ સામે હરીફાઈ

ટી-20 ક્રિકેટમાં 139.32ના સ્ટ્રાઇક-રેટ સાથે 531 રન બનાવનાર અને માત્ર 22.12ની સરેરાશે 71 વિકેટ લેનાર અક્ષર પટેલ ઉપરાંત બીજા બે સ્પિનર (વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ)ને એશિયા કપની ટીમમાં સમાવાયા છે એટલે એ રીતે અક્ષરનું સ્થાન પ્લેઇંગ-ઇલેવનમાં 100 ટકા નક્કી ન કહી શકાય એવામાં તેની પાસેથી વાઇસ-કૅપ્ટન તરીકેની જવાબદારી ઓચિંતી પાછી લઈ લેવામાં આવી એનાથી ભારતીય ક્રિકેટમાં આશ્ચર્ય ફેલાયું છે. અક્ષર પાસેથી ઉપ-કપ્તાનપદ પાછું લઈને શુભમન ગિલને સોંપાયું છે.

અક્ષર વિરુદ્ધ કોઈ લૉબી છે?

શ્રેયસની જેમ અક્ષરની વિરુદ્ધમાં કોઈ લૉબી (સિન્ડિકેટ) કામ કરી રહી હોય એવી ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે. તે હવે ટી-20 ટીમમાં સૂર્યકુમાર યાદવનો ડેપ્યૂટી નથી, પણ દરેક મૅચની ટીમમાં તેનું (અક્ષરનું) સ્થાન પણ નક્કી ન કહી શકાય. તે ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં ફિટ બેસે એવો સ્પિન-ઑલરાઉન્ડર છે. જોકે દોઢ વર્ષથી તેને ટેસ્ટ નથી રમવા મળી. તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે બૅટિંગ સારી કરી હતી, પણ તેની બોલિંગ જોઈએ એવી સારી નહોતી.

દિલ્હીનું સુકાન સંભાળેલું

એક પુત્રનો પિતા અક્ષર ભૂતકાળમાં આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમ્યો હતો તથા આ વર્ષની આઇપીએલમાં તેણે દિલ્હી કૅપિટલ્સનું સુકાન સંભાળ્યું હતું અને તેની ટીમ શરૂઆતમાં સારું રમ્યા પછી છેલ્લે પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમા નંબરે રહી હતી. આશા રાખીએ કે તેને ટી-20 ફૉર્મેટની ટીમ ઇન્ડિયામાં ગુમાયેલું વાઇસ-કૅપ્ટનપદ ટૂંક સમયમાં પાછું મળી જશે.

આપણ વાંચો: અક્ષર પટેલે ક્રિકેટને અલવિદા કહ્યું? વાયરલ વીડિયોમાં દાવો, જાણો શું છે હકીકત

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button