ટ્રાફિક-જામથી બચવા ખેલાડીઓને હેલિકૉપ્ટરમાં બેસાડીને ટેનિસ કોર્ટ સુધી પહોંચાડાયા!
વાદલહારા (મેક્સિકો): અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોનું વાદલહારા શહેર ટકિલા અને મૅરિયેચી મ્યૂઝિકનું ઉદ્ભવ સ્થાન તરીકે ઓળખાય છે. જોકે આ શહેરનું ઝૅપોપૅન નામનું ઉપનગર ટ્રાફિક-જામ માટે બહુ જાણીતું છે અને અહીં શરૂ થયેલી ટેનિસની ડબ્લ્યૂટીએ-500 ટૂર્નામેન્ટમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓએ સ્પર્ધાના સ્થળ સુધી પહોંચતી વખતે લાઇનબંધ વાહનોની સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે આયોજકોએ તેમને અનોખી ઑફર કરી હતી. તેમણે પ્લેયર્સ માટે ઍરપોર્ટથી હોટેલ સુધી અને હોટેલથી ટૂર્નામેન્ટ માટેના ટેનિસ કોર્ટ સુધી હેલિકૉપ્ટરની સુવિધા રાખી હતી જેને લીધે તેમનો ઘણો સમય બચી ગયો હતો.
ટૂર્નામેન્ટના ડિરેકટર ગુસ્તાવો સૅન્ટોસ્કૉયે પત્રકારોને કહ્યું, ‘અમે ખેલાડીઓને કંઈક અલગ સુવિધા ઑફર કરવા માગતા હતા. તેમને અનોખો અનુભવ કરવો ખૂબ ગમતો હોય છે એટલે અમે તેમના માટે હેલિકૉપ્ટરની સુવિધા રાખી હતી. ખેલાડીઓ માટે વૅનિટી વૅન તો હતી જ, તેમના માટે કારની વ્યવસ્થા પણ રાખી હતી.’
વિમેન્સ ટેનિસ અસોસિયેશન (ડબ્લ્યૂટીએ)ની આ એકમાત્ર ઇવેન્ટ છે જેમાં ખેલાડીઓને હેલિકૉપ્ટરની સગવડ મળી છે. ખેલાડીઓને હેલિકૉપ્ટરમાંથી મેક્સિકોના ત્રણ સૌથી મોટા શહેરોમાંના એક શહેરને જોવા મળ્યું, તેઓ સ્પર્ધાના સ્થળે જલદી પહોંચી પણ શક્યા હતા.
વાદલહારામાં ખેલાડીઓ માટેની હોટેલથી (બાય રોડ) 11 કિલોમીટર દૂર ટૂર્નામેન્ટના સ્થળ સુધી પહોંચતાં લગભગ 40 મિનિટનો સમય લાગે છે, પરંતુ ખેલાડીઓ હેલિકૉપ્ટરમાં ફક્ત ચાર મિનિટમાં સ્પર્ધાના સ્થળે પહોંચી ગયા હતા.