અવનીને પિતા શૂટિંગ રૅન્જ જોવા લઈ ગયા અને પછી બની ગઈ શૂટિંગ ચૅમ્પિયન!

જયપુર: પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શુક્રવારે શૂટિંગમાં ઐતિહાસિક બીજો ગોલ્ડ મેડલ જીતનાર રાજસ્થાનની અવની લેખરાને નાનપણથી નિશાનબાજીનો શોખ નહોતો અને તેણે ક્યારેય સ્પોર્ટ્સની પિસ્તોલ કે રાઇફલ જોઈ પણ નહોતી, પરંતુ 2012માં તે 12 વર્ષની હતી ત્યારે અકસ્માત બાદ પૅરેલિસિસના અટૅકનો શિકાર થયેલી અવનીનું મન હળવું કરવા તેના પિતા તેને એક શૂટિંગ રૅન્જ જોવા લઈ ગયા ત્યારથી અવનીમાં શૂટિંગની રુચિ જાગી હતી.
અવની શુક્રવારે 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધાના એસએચ-1 કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી હતી. 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ તે ગોલ્ડ જીતી હોવાથી તેણે શૂટિંગમાં બીજા પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલનો ભારતીય વિક્રમ નોંધાવ્યો છે. તેની જ કૅટેગરીમાં રાજસ્થાનની જ મોના અગરવાલ બ્રૉન્ઝ મેડલ જીતી હતી. અવનીએ આ સ્તર સુધી પહોંચવા ભારે સંઘર્ષ કર્યો છે.
અવનીના પિતા પ્રવીણ લેખરાએ એક મુલાકાતમાં કહ્યું છે, ‘12 વર્ષ પહેલાંના અકસ્માત બાદ અવનીની પીઠનો ઘણો ખરો ભાગ કાપી નાખવો પડ્યો હતો. તે ખૂબ અશક્ત થઈ ગઈ હતી અને ડિપ્રેશનમાં જતી રહી હતી. તે સ્વસ્થ થવા લાગી, પણ હળવો સામાન પણ ઊંચકી નહોતી શક્તી.’
જોકે ઈજામાંથી બહાર આવ્યા બાદ દિવ્યાંગ અવનીને પિતા મન હળવું કરવા શૂટિંગ રૅન્જમાં પહેલી વાર લઈ ગયા ત્યારે તેનાથી રાઇફલ ઊંચકાઈ નહોતી, પરંતુ હવે તે ત્રણ વર્ષમાં (વ્હીલચેરમાં બેસીને) પૅરાલિમ્પિક્સના બબ્બે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. એ ઉપરાંત તે બીજી નૅશનલ-ઇન્ટરૅશનલ ઇવેન્ટ્સના ઘણા મેડલ અને ટ્રોફી જીતી છે.
અવનીએ પૅરાલિમ્પિક્સ પહેલાં એક મોટી સર્જરીને કારણે શારીરિક મુશ્કેલી સહન કરવી પડી હતી. રાજસ્થાન સરકારના વન વિભાગમાં અસિસ્ટન્ટ ક્ધઝર્વેટર તરીકેની નોકરી કરતી અવની ગૉલબ્લૅડરની સર્જરી કરાવી છે જેને કારણે તેણે દોઢ મહિનો પથારીવશ રહેવું પડ્યું હતું.
અવનીએ પોતાની સફળતાનો શ્રેય મમ્મી-પપ્પાને તેમ જ કોચ, મિત્રો અને આખી ટીમને આપ્યો છે. હવે અવની 50 મીટર રાઇફલ-થ્રી પૉઝિશન કૅટેગરીમાં મેડલ જીતવા હરીફાઈમાં ઊતરશે.