Australian PM About Bumrah Bowling Left-Handed

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઇચ્છે છે કે બુમરાહ હવેથી ડાબા હાથે બોલિંગ કરે!: કેમ આવું કહ્યું, જાણો છો?

સિડની ટેસ્ટ પહેલાં ઍન્થની અલ્બનીઝ બન્ને ટીમને મળ્યા અને બુમરાહની ભરપૂર પ્રશંસા કરી

સિડનીઃ શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીથી સિડનીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ) પહેલાં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટપ્રેમી વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ બન્ને ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને ખુદ અલ્બનીઝે આ મુલાકાતની તસવીર પોતાના એક્સ’ હૅન્ડલ પર પોસ્ટ કરી હતી.

તેમણે ખાસ કરીને વર્લ્ડ નંબર-વન રાઇટ-આર્મ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ખૂબ વખાણ કર્યા હતા. અલ્બનીઝે મજાકમાં કહ્યું હતું કે અહીં આપણે એક કાયદો જ બનાવી નાખવો જોઈએ કે બુમરાહે આપણી ટીમ સામે ડાબા હાથે બોલિંગ કરવાની અને તેની બોલિંગ-ઍક્શન જ એવી હોવી જોઈએ કે જેથી ઑસ્ટ્રેલિયન બૅટર્સને ફાયદો થાય. અલ્બનીઝે બન્ને ટીમ સાથે તસવીર પડાવી હતી જે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

આ પણ વાંચો : ભારતની વૈશાલી વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલ જીતી…

એ તસવીરો મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે. આ તસવીરો જોઈને ક્રિકેટપ્રેમીઓ સતતપણે ટિપ્પણી કરી રહ્યા છે. વર્તમાન બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં બુમરાહ 30 વિકેટ સાથે મોખરે છે. આ સિરીઝમાં જ તેણે કરીઅરમાં કુલ 200 ટેસ્ટની સિદ્ધિ હાંસલ કરી. અલ્બનીઝે બુમરાહની ભરપૂર પ્રશંસા કરી હતી. અલ્બનીઝે પોસ્ટ સાથેની સ્ટોરીમાં લખ્યું હતું કેઑસ્ટ્રેલિયન અને ભારતીય ટીમે અમને ભરપૂર ક્રિકેટનો આનંદ આપ્યો છે.

શુક્રવારે પાંચમી ટેસ્ટ શરૂ થશે ત્યારે આખું સિડની સ્ટેડિયમ ગુલાબીમય થયેલું જોવા મળશે, કારણકે એ દિવસે ગ્લેન મૅકગ્રા ફાઉન્ડેશનના (કૅન્સર સામેની લડતના) સપોર્ટમાં હજારો લોકો પિન્ક ડ્રેસમાં જોવા મળશે.’

Back to top button