સ્પોર્ટસ

નઇબની ઈજા વિશે માર્શે કહ્યું, ‘હું એટલું બધુ હસ્યો કે આંખમાં પાણી આવી ગયા’

અફઘાનિસ્તાની ઑલરાઉન્ડર પર ઈજાના કથિત નાટક બદલ પ્રતિબંધ મુકાઈ શકે

કિંગ્સટાઉન: અફઘાનિસ્તાને મંગળવારે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં બંગલાદેશને હરાવીને ઑસ્ટ્રેલિયાને એક્ઝિટનો દરવાજો બતાવી દીધો એને પગલે એક તરફ અફઘાનિસ્તાનની ટીમ સેમિ ફાઇનલનો ઐતિહાસિક પ્રવેશ સેલિબ્રેટ કરી રહી હતી ત્યારે બીજી બાજુ એના ઑલરાઉન્ડર ગુલબદીન નઇબ (Gulbadin Naib)ની મૅચ દરમ્યાનની ઈજાની ઘટનાને તેનું નાટક ગણાવીને તેની જ સર્વત્ર ચર્ચા થઈ રહી છે. મૅચમાં કટોકટીના સમયે તેન્ઝિમ સાકિબ (ત્રણ રન)ની વિકેટ લેનાર ગુલબદીન નઇબે ટીમના હેડ-કોચ જોનથન ટ્રૉટના મેદાનની બહારથી થયેલા કથિત ટાઇમપાસ કરવાના ઇશારા બાદ ઈજાનું નાટક કર્યું હતું કે શું એની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: ભારતને ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે બદલો લેવાનો મોકો

નઇબ પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા હોવાનો સંકેત આપીને અચાનક સ્લિપના સ્થાને બેસી પડ્યો હતો અને પછી તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ સંબંધમાં ઑસ્ટ્રેલિયાની ટીમના કૅપ્ટન મિચલ માર્શે (Mitchell Marsh) નઇબની ઈજાની ઘટના વિશે કહ્યું, ‘ક્રિકેટના મેદાન પર મને આવી રમૂજી ઘટના ભાગ્યે જ જોવા મળી છે. હું તો એટલું બધુ હસ્યો કે મારી આંખોમાં પાણી આવી ગયા હતા.’

નઇબે ગજબનું ‘નાટક’ કર્યું એવા ઇશારામાં માર્શે એક વેબસાઇટને કહ્યું, ‘એ ખૂબ રમૂજી અને ગજબની ઘટના હતી.’
નઇબ સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો. 12મી ઓવર સ્પિનર નૂર અહમદે કરી હતી. બંગલાદેશને 116 રનના મૂળભૂત લક્ષ્યાંકને બદલે વરસાદ અને ખરાબ હવામાનને પગલે 19 ઓવરમાં 114 રન બનાવવાનો નવો ટાર્ગેટ અપાયો હતો. 12મી ઓવર વખતે બંગલાદેશની ટીમ ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ઍટ પાર સ્કોરમાં અફઘાનિસ્તાનથી પાછળ હતી. એ વખતે અફઘાનિસ્તાનની ટીમ બે રનથી આગળ હતી અને જો મૅચ ત્યાં જ અટકી ગઈ હોત તો અફઘાનિસ્તાનનો ત્યાં જ વિજય થઈ ગયો હોત. જોકે અફઘાનિસ્તાનની ટીમ ઍટ પાર સ્કોરમાં આગળ હતી ત્યારે અફઘાન ટીમના હેડ-કોચ અને ભૂતપૂર્વ બ્રિટિશ ઓપનર જોનથન ટ્રૉટે અફઘાનના ખેલાડીઓને હાથના ઇશારાથી ‘ધીમા પડો’ એવો સંકેત વારંવાર આપ્યો હતો. ટાઇમપાસ કરવાના ટ્રૉટના એ કથિત સંકેત બાદ થોડી જ વારમાં સ્લિપમાં ઊભેલા નઇબ પોતાના પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા હોવાની ઍક્શન સાથે નીચે પટકાયો હતો. વધુ સમય પસાર થતાં બંગલાદેશની ટીમ ખરાબ હવામાન વચ્ચે વધુ મુશ્કેલીમાં આવી શકે એમ હતું. વરસાદના છાંટા ફરી પડવા લાગ્યા અને નઇબ સાથીની મદદથી મેદાનની બહાર ગયો હતો અને અમ્પાયરે પિચ માટેના કવર મગાવ્યા હતા. જોકે પાંચ જ મિનિટમાં રમત ફરી શરૂ થઈ હતી.

આ પણ વાંચો: હાર્દિક ચાર ક્રમની છલાંગ સાથે આટલા નંબર પર આવી ગયો!: સૂર્યાએ સિંહાસન ગુમાવ્યું

વરસાદના ટૂંકા વિઘ્ન બાદ રમત ફરી શરૂ થઈ ત્યારે (13મી ઓવરમાં) નઇબ પાછો મેદાન પર આવી ગયો હતો, હાથ ઊંચા કરીને પોતે હવે ફરી રમવા બિલકુલ તૈયાર છે એવો સંકેત આપ્યો હતો અને 15મી ઓવરમાં તેન્ઝિમ સાકિબની વિકેટ લીધી હતી.

નઇબે ઈજાનું નાટક કર્યું હોવાનું જો સાબિત થશે તો આઇસીસીની આચારસંહિતાની કલમ 2.10.7 હેઠળ તેના રમવા પર એક કે વધુ મૅચનો પ્રતિબંધ મુકાઈ શકે. તેને 100 ટકા મૅચ-ફીનો દંડ પણ થઈ શકે.

અમ્પાયરોએ નઇબની વિરુદ્ધમાં કોઈ રિપોર્ટ મૅચ-રેફરીને આપ્યો હોવાના અહેવાલ નહોતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ