ઑસ્ટ્રેલિયન ઓપનને મળી નવી ચૅમ્પિયનઃ જાણો, વિજેતાએ કઈ-કઈ અસાધારણ સિદ્ધિઓ મેળવી
મેલબર્નઃ અમેરિકાની 29 વર્ષીય ટેનિસ સ્ટાર મૅડિસન કીઝ પ્રથમ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી છે. તેણે આજે ઑસ્ટ્રેલિયન ઓપનમાં મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન અરીના સબાલેન્કાને 6-3, 2-6, 7-5થી હરાવી દીધી હતી. એ સાથે વર્ષની પ્રથમ ગ્રેન્ડ સ્લૅમ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનને મહિલા વર્ગમાં નવી વિજેતા મળી છે.
મૅડિસન કીઝ છેલ્લા 20 વર્ષની એવી પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી છે જેણે ઑસ્ટ્રેલિયન ઓપનમાં મોખરાની બે ખેલાડીને હરાવી છે. 14મી રૅન્ક ધરાવતી મૅડિસને સેમિ ફાઇનલમાં વર્લ્ડ નંબર-ટૂ ઇગા સ્વૉન્ટેકને હરાવી હતી અને હવે વર્લ્ડ નંબર-વન સબાલેન્કાને પરાજિત કરી છે. 2005માં સેરેના વિલિયમ્સે એ સમયે મોખરાની બે પ્લેયર મારિયા શારાપોવાને સેમિ ફાઇનલમાં અને ફાઇનલમાં લિન્ડ્સે ડેવનપોર્ટને હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ બીજી વાર જીતી લીધું હતું.
મૅડિસન કીઝે શનિવારે વિશ્વની નંબર-વન ખેલાડી સબાલેન્કાને મોટી સિદ્ધિથી વંચિત રાખી હતી. સબાલેન્કાને સતત ત્રીજી વાર ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતવાનો મોકો હતો, પરંતુ મૅડિસને તેને એનાથી દૂર રાખી દીધી. જો સબાલેન્કા ફાઇનલ જીતી હોત તો 1997થી 1999 દરમ્યાન માર્ટિના હિન્ગિસએ જેમ ઉપરાઉપરી ત્રણ ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી હતી એમ સબાલેન્કા પણ જીતી ગઈ હોત. સબાલેન્કા આ ફાઇનલ હારી છતાં વર્લ્ડ નંબર-વનની રૅન્ક તેણે જાળવી રાખી છે.
મૅડિસન છેક સાત વર્ષે ફરી એકવાર ગ્રેન્ડ સ્લૅમની ફાઇનલમાં પહોંચી અને પ્રથમ ટાઇટલ જીતી શકી છે. 2017માં તે યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાની જ સ્લોન સ્ટીફન્સ સામે હારી ગઈ હતી. ત્યાર બાદ મૅડિસન ક્યારેય કોઈ ગ્રેન્ડ સ્લૅમ ફાઇનલમાં નહોતી પહોંચી શકી, પરંતુ આ વખતે ટાઇટલ જીતીને રહી. છેલ્લા થોડા વર્ષ દરમ્યાન તે નબળું રમવા ઉપરાંત ઈજાઓને કારણે પરેશાન પણ હતી.
29 વર્ષની મૅડસિન આટલી મોટી ઉંમરે પ્રથમ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનારી ચોથા નંબરની મહિલા ખેલાડી છે. તે આ પહેલું મોટું ટાઇટલ જીતી એ સાથે આશ્ચર્યમાં ડૂબી ગઈ હતી, તેની આંખોમાંથી હર્ષના આંસુ આવી ગયા હતા અને દોડીને પતિ તથા કોચ બ્યૉન ફ્રૅટેન્જેલોને ભેટી પડી હતી.
આ પણ વાંચો…ટી-20 વર્લ્ડમાં સિંઘ ઇઝ કિંગ
બીજી તરફ, ઑસ્ટ્રેલિયન ઓપનમાં ટાઇટલની હૅટ-ટ્રિક ચૂકી જનાર સબાલેન્કા નિરાશામાં માથા પર ટુવાલ ઓઢીને બેઠી રહી હતી. જોકે લૉકર રૂમમાંથી ટેનિસ કોર્ટ પર પાછી આવી ત્યારે 15,000 પ્રેક્ષકોએ તેને તાળીઓથી વધાવી લીધી હતી. સબાલેન્કાએ મૅચ પછીના ટ્રોફી વિતરણ સમારોહમાં કહ્યું, મૅડિસન ખૂબ જ સારું રમી અને તેના પર્ફોર્મન્સ સામે હું ઝાંખી પડી ગઈ. હવે પછી તેની સામે રમીશ ત્યારે વધુ સારું પર્ફોર્મ કરી દેખાડીશ.' ચૅમ્પિયન મૅડિસને કહ્યું,
હું ઘણા વર્ષોથી આ ટાઇટલની તલાશમાં હતી. સાચું કહું તો હું ફરી મોટી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીશ અને ટ્રોફી જીતી જઈશ એવી મેં કલ્પના પણ નહોતી કરી.’
2023ની યુએસ ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં સબાલેન્કાએ જ અમેરિકાની મૅડિસનને હરાવી હતી જેને લીધે મૅડિસન હોમ ગ્રેન્ડ સ્લૅમની સેમિ ફાઇનલથી વંચિત રહી ગઈ હતી.