સર ડૉન બ્રેડમૅન બરાબર 77 વર્ષ પહેલાં શૂન્ય પર આઉટ થયા અને 100.00ની બૅટિંગ-ઍવરેજ ચૂક્યા!

લંડનઃ અહીં ઓવલના ઐતિહાસિક મેદાન પર દસ દિવસ પહેલાં (સોમવાર, 4 ઑગસ્ટે) ભારતીય ટીમે ઇંગ્લૅન્ડને પાંચ ટેસ્ટવાળી સિરીઝના પાંચમા અત્યંત રોમાંચક મુકાબલામાં હરાવીને ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રૉ કરાવી એ જ મેદાન પર બરાબર 77 વર્ષ પહેલાં (1948માં) શ્રેણીની પાંચમી ટેસ્ટમાં એક એવી અનિચ્છનીય ઘટના બની હતી.
જેનો સમગ્ર ક્રિકેટ જગતને રંજ છે અને એ કિસ્સો ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સર ડૉન બ્રેડમૅનને લગતો છે. તેઓ 1948ની 14મી ઑગસ્ટે શૂન્યમાં આઉટ થઈ ગયા હતા જેને કારણે તેઓ જરાક માટે (ફક્ત ચાર રન માટે) વિક્રમજનક 100.00ની બૅટિંગ-ઍવરેજ ચૂકી ગયા હતા.
ઇંગ્લૅન્ડ સામેની એ ટેસ્ટના પ્રથમ દાવમાં કૅપ્ટન બ્રેડમૅને (Bradman) પોતાના બીજા જ બૉલ પર ઝીરો (Zero)માં વિકેટ ગુમાવી દીધી હતી. બ્રિટિશ લેગ-સ્પિનર એરિક હૉલિસે તેમને ક્લીન બોલ્ડ કર્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમ એ મૅચ એક દાવ અને 149 રનથી હારી જતાં ઑસ્ટ્રેલિયાના બૅટ્સમેનોએ બીજા દાવમાં બૅટિંગ કરવાની જરૂર જ નહોતી પડી.

જોકે પહેલા દાવમાં બ્રેડમૅને માત્ર ચાર રન (4 runs) કર્યા હોત તો તેમની બૅટિંગ-સરેરાશ 100.00ની થઈ ગઈ હોત, પરંતુ એ તેમની અંતિમ ટેસ્ટ હતી અને તેમણે 99.94ની ઍવરેજ (BATTING Average) સાથે કરીઅર પૂરી કરી હતી.
ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર રે લિન્ડવૉલની છ વિકેટને કારણે માત્ર બાવન રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ જવાબમાં 389 રન કરીને 337 રનની તોતિંગ સરસાઈ લીધી હતી. કાંગારૂઓની ટીમના એ 389 રનમાં રનઆઉટમાં વિકેટ ગુમાવનાર આર્થર મૉરિસના 196 રન હતા.

પરંતુ બ્રેડમૅન એ પહેલાં ઝીરોમાં આઉટ થઈ ચૂક્યા હતા. બીજા દાવમાં બિલ જૉન્સ્ટનની ચાર વિકેટ, રે લિન્ડવૉલની ત્રણ વિકેટ અને કિથ મિલરની બે વિકેટને લીધે બ્રિટિશ ટીમ ફક્ત 188 રનના સ્કોર પર આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાનો એક ઇનિંગ્સથી વિજય થયો હતો.
જો બીજા દાવમાં નૉર્મન યાર્ડલીના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમે સારું પર્ફોર્મ કર્યું હોત અને 337 રનની સરસાઈ ઊતારીને ઑસ્ટ્રેલિયાને કોઈ લક્ષ્યાંક આપ્યો હોત તો બ્રેડમૅન બીજા દાવની બૅટિંગમાં ચાર રન કરીને 100.00ની બૅટિંગ-ઍવરેજ પૂરી કરી શક્યા હોત.
બ્રેડમૅનનો જન્મ 1908માં ન્યૂ સાઉથ વેલ્સમાં થયો હતો. 2001માં ઍડિલેઇડમાં તેમનું 92 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે 1928થી 1948 સુધીની (20 વર્ષની કરીઅરમાં) બાવન ટેસ્ટમાં 99.94ની બૅટિંગ-સરેરાશે 6,996 રન કર્યા હતા. તેઓ માત્ર ચાર રન કરી શક્યા હોત તો 100.00ની ઍવરેજની સાથે તેમણે 7,000 રનની સિદ્ધિ પણ હાંસલ કરી લીધી હોત.
તેમના 6,996 રનમાં 29 સેન્ચુરી અને 13 હાફ સેન્ચુરી સામેલ હતી. તેમણે 32 કૅચ ઝીલ્યા હતા. તેમણે ટેસ્ટ-ક્રિકેટ સહિતની ફર્સ્ટ ક્લાસ કરીઅરમાં કુલ 234 મૅચમાં 28,067 રન કર્યા હતા જેમાં 117 સેન્ચુરી અને 69 હાફ સેન્ચુરીનો સમાવેશ હતો. તેમણે કુલ 131 કૅચ ઝીલ્યા હતા.