ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝની ઉગ્રતાથી કેમ બહુ ખુશ છે?

મેલબર્નઃ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના વડા ટૉડ ગ્રીનબર્ગ (Todd Greenberg)નું એવું માનવું છે કે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં જે ઉગ્રતા અને આક્રમકતા જોવા મળી એને કારણે આગામી ઍશિઝ (Ashes) શ્રેણીમાં મૅચની ટિકિટો ધડાધડ વેચાઈ જશે.
ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ઍશિઝ ટેસ્ટ શ્રેણી આગામી નવેમ્બરમાં રમાશે અને ગ્રીનબર્ગને એવી આશા છે કે તાજેતરમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)માં કુલ જે 8,37,879 ટિકિટો વેચાઈ હતી એ આંકડો આગામી ઍશિઝમાં પાર થઈ જશે.
આપણ વાંચો: 10 બૉલ ઓછા ફેંકાતાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને આટલા કરોડ રૂપિયાનો ચાંદલો થઈ ગયો!
ગ્રીનબર્ગે ઑસ્ટ્રેલિયાના એક જાણીતા દૈનિકના પત્રકાર સાથેની વાતચીતમાં ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ-શ્રેણીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ` ઇટ્સ ગ્રેટ ક્રિકેટ. ક્રિકેટપ્રેમી તરીકે મને આ શ્રેણી જોવાની ખૂબ મજા પડી. આ શ્રેણીને કારણે નવેમ્બરમાં અમારી ઍશિઝ સિરીઝમાં વધુ ટિકિટો વેચાશે.’
ઑસ્ટ્રેલિયામાં એક ઍશિઝ સિરીઝ દરમ્યાન સ્ટેડિયમોમાં સૌથી વધુ પ્રેક્ષકોએ મૅચો જોઈ હોય એવા રેકૉર્ડસમાં 1936-’37ની ઍશિઝ સિરીઝનું સ્થાન મોખરે છે. સર ડૉન બ્રેડમૅન ત્યારે અસલ ફૉર્મમાં હતા અને તેમની હાજરીવાળી ઇંગ્લૅન્ડ સામેની એ સિરીઝની મૅચો કુલ 9,46,750 પ્રેક્ષકોએ સ્ટેડિયમમાં બેસીને માણી હતી.
આપણ વાંચો: બીસીસીઆઇએ વિદેશના ક્રિકેટ બોર્ડોને અને ફ્રૅન્ચાઇઝીઓએ વિદેશી ખેલાડીઓને કહી દીધું કે…
ત્યાર પછી ભારત-ઑસ્ટ્રેલિયાની 2024-’25 સિરીઝની 8,37,879 ટિકિટોનો આંકડો બીજા નંબરે છે અને ગ્રીનબર્ગ એ આંકડો નવેમ્બરની ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝમાં પાર થતો જોવા માગે છે.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની વર્તમાન ટેસ્ટમાં મેદાન પર ઘણી વાર હરીફ ખેલાડીઓ વચ્ચે દલીલો અને તકરાર થઈ હતી. ડ્યૂક્સ બૉલ નરમ પડી જતો હોવાના વિવાદે પણ આખી ક્રિકેટ દુનિયાનું ધ્યાન ઇંગ્લૅન્ડના મેદાનો તરફ દોર્યું હતું.

ઑસ્ટ્રેલિયામાં રમાનારી ઇંગ્લૅન્ડ સામેની આગામી ઍશિઝ સિરીઝની તમામ પાંચ ટેસ્ટની પ્રથમ દિવસની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આ પાંચ મૅચ પર્થ, બ્રિસ્બેન, ઍડિલેઇડ, મેલબર્ન અને સિડનીમાં રમાશે.