સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-લેજન્ડનું નિધન, શાનદાર કારકિર્દીમાં 15,000થી પણ વધુ રન બનાવેલા…

કરીઅરના છેલ્લા વર્ષમાં ફટકારી પહેલી સિક્સર, અંતિમ ટેસ્ટમાં જીતેલા પ્રથમ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ

ગીલૉન્ગ (વિક્ટોરિયા)ઃ ઑસ્ટ્રેલિયાના મહાન ઓપનિંગ બૅટર ઇયાન રેડપાથનું રવિવારે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. રેડપાથ જાન્યુઆરી, 1964થી જાન્યુઆરી, 1976 સુધીની 12 વર્ષની કારકિર્દીમાં 66 ટેસ્ટ તથા પાંચ વન-ડે રમ્યા હતા. ટેસ્ટ-ક્રિકેટમાં તેમણે આઠ સેન્ચુરીની મદદથી 43.45ની સરેરાશે 4,737 રન બનાવ્યા હતા અને ટેસ્ટ સહિતની ફર્સ્ટ-ક્લાસ કરીઅરમાં તેમણે કુલ 15,294 રન કર્યા હતા. ટેસ્ટમાં તેમણે આઠ સેન્ચુરી તથા 31 હાફ સેન્ચુરી ફટકારી હતી. 1964માં ડેબ્યૂ કર્યા બાદ છેક 1969માં તેઓ પહેલી વાર સેન્ચુરી ફટકારી શક્યા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનને આઇસીસીએ આપી દીધી મહેતલ…

તેઓ 1971થી 1975 દરમ્યાન પાંચ વન-ડે રમ્યા હતા. તેઓ બાહોશ બૅટર તરીકે પ્રખ્યાત હતા તેમ જ ક્રીઝ પર અડીખમ રહેનાર બૅટર તરીકે પણ જાણીતા હતા.

રાઇટ-હૅન્ડ બૅટર રેડપાથે 66 ટેસ્ટની શાનદાર કરીઅરમાં કેટલા ચોક્કા માર્યા હતા એનો સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ તેઓ ફકત બે સિક્સર ફટકારી શક્યા હતા. 66 ટેસ્ટની કારકિર્દીમાં તેમણે એ પહેલી બે સિક્સર છેક 65મી ટેસ્ટમાં (ઍડિલેઇડમાં વેસ્ટ ઇન્ડિઝ સામે) ફટકારી હતી. તેમણે ત્યારે મૅચના પહેલા દાવમાં 103 રન અને બીજા દાવમાં 65 રન બનાવ્યા હતા. બન્ને ઇનિંગ્સમાં કૅરિબિયન ઑફ-સ્પિનર લાન્સ ગિબ્સે તેમની વિકેટ લીધી હતી. જોકે ઑસ્ટ્રેલિયાએ એ ટેસ્ટ 190 રનથી જીતી લીધી હતી.

રેડપાથ 1976માં મેલબર્નમાં કરીઅરની અંતિમ ટેસ્ટ રમ્યા હતા. એમાં તેમણે 101 રન અને પછી 70 રન બનાવ્યા હતા અને ઑસ્ટ્રેલિયાએ 165 રનથી વિજય મેળવ્યા બાદ તેમને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. નવાઈની વાત એ છે કે આખી કરીઅરમાં તેમનો એ પહેલો જ મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ હતો. તેમની એ આખરી ટેસ્ટમાં ગે્રગ ચૅપલ કૅપ્ટન હતા અને ટીમના બીજા ખેલાડીઓમાં ઍલન ટર્નર, રિક મૅકોસ્કર, ઇયાન ચૅપલ, ગે્રહામ યેલૉપ, વિકેટકીપર રૉડની માર્શ, જેફ થૉમસન, ડેનિસ લિલી વગેરે ખેલાડીઓ હતા. એ મૅચ માટેની ક્લાઇવ લૉઇડના નેતૃત્વ હેઠળની વેસ્ટ ઇન્ડિયન ટીમમાં વિવ રિચર્ડ્સ, રૉય ફ્રેડરિક્સ, ઑલ્વિન કાલિચરણ, વિકેટકીપર ડેરિક મરે, માલ્કમ હોલ્ડિંગ, વેન્બર્ન હોલ્ડર વગેરેનો સમાવેશ હતો.

આ પણ વાંચો : ‘હંમેશાં થોડો મસાલો ઉમેરવો પડતો હોય છે’, વિરાટે કેમ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનને આવું કહ્યું?

ઑસ્ટ્રેલિયાએ એ સિરીઝ 5-1થી જીતી લીધી હતી.

રેડપાથ ભારત સામે 10 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે કુલ 475 રન બનાવ્યા હતા.

રેડપાથ 1976માં અંતિમ ટેસ્ટ રમ્યા ત્યાર બાદ ઍન્ટિક (દુર્લભ) ચીજોના બિઝનેસ તરફ વળ્યા હતા. જોકે એક વર્ષ બાદ તેઓ ફરી ક્રિકેટની રમત તરફ વળ્યા હતા અને કેરી પૅકરની વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં રમ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button