સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટર કોમામાં સરી પડ્યો: આ જીવલેણ બીમારી સામે લડી રહ્યો છે

બ્રિસ્બેન: ઓસ્ટ્રેલિયના ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર ડેમિયન માર્ટિનને ગંભીર હાલતમાં બ્રિસ્બેનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અહેવાલ મુજબ હાલ તે કોમામાં સરી પડ્યો છે. ઓસ્ટ્રેલિયના સાથી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકો તેના ઝડપથી સાજા થવાની પ્રર્થન કરી રહ્યા છે.

54 વર્ષીય રાઈટ હેન્ડ બેટર ડેમિયન માર્ટિનની હાલત લથડી હતી, મેડીકલ તપાસ કરતા જાણવા મળ્યું કે તે મેનિન્જાઇટિસ(Meningitis)થી પીડાઈ રહ્યો છે, હાલ તેની હાલત ગંભીર છે. મેનિન્જાઇટિસ એ મગજ અને કરોડરજ્જુની આસપાસના પ્રોટેક્ટિવ મેબ્રેનને લગતો રોગ છે.

ડેમિયન માર્ટિનના નજીકના મિત્ર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે કહ્યું: “તેને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે અને માર્ટિન માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.”

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ટોડ ગ્રીનબર્ગે કહ્યું કે “ડેમિયનની બીમારી વિશે સાંભળીને મને દુઃખ થયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ સમુદાયના દરેકની શુભેચ્છાઓ આ સમયે તેમની સાથે છે.”

ડેમિયન માર્ટિનનું ક્રિકેટ કરિયર:

ડેમિયન માર્ટિનને ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી 67 ટેસ્ટ રમી છે, 109 ઇનિંગમસ 46.37ની એવરેજથી 4406 રન બનાવ્યા છે, જેમાં તેણે 13 સદી અને 23 ફિફ્ટી ફટકારી હતી. ટેસ્ટમાં તેનો હાઈએસ્ટ સ્કોર 165 રન છે.

ડેમિયન માર્ટિનને 208 ODI મેચ પણ રમી છે, જેમાં 182 ઇનિંગ્સમાં તેણે 40.80ની એવરેજથી 5,346 બનાવ્યા છે, તેણે 5 સદી 37 ફિફ્ટી ફટકારી છે. ODIમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 144 છે. ડેમિયન માર્ટિન માત્ર 4 T20I મેચ રમ્યો છે, જેમાં તેણે 120 રન બનાવ્યા છે.

ડેમિયન માર્ટિનનો જન્મ ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં થયો હતો, તેણે 21 વર્ષની ઉંમરે 1992-93 માં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. 23 વર્ષની ઉંમરે તે વેસ્ટ ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન બન્યો હતો. તે છલ્લે 2006-07 એશિઝ સિરીઝમાં એડિલેડ ઓવલ ખાતે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યાર બાદ માર્ટિને કોમેન્ટટેરર તરીકે કારકિર્દી શરુ કરી હતી.

ચેમ્પિયન ટીમનો ભાગ:

માર્ટીન 1999 અને 2003 ના ODI વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો, ODI વર્લ્ડ કપ 2003 માં ભારત સામેની ફાઇનલ મેચમાં તે તૂટેલી આંગળી સાથે બેટિંગ કરી હતી અને અણનમ 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને 2006 ની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો પણ ભાગ હતો.

2004 માં ઓસ્ટ્રેલિયન ટીમ ભારત આવી હતી ત્યારે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો, તેણે આઠ ઇનિંગ્સમાંથી ચારમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button