ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ફક્ત છગ્ગો ફટકારીને આઉટ થયો, પણ નવો રેકૉર્ડ બનાવતો ગયો!
ઑસ્ટ્રેલિયાએ બીજી ટી-20માં પણ વિજય મેળવીને ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝ જીતી લીધી

ઑકલૅન્ડ: કહેવાય છેને કે ‘રેકૉર્ડ તો બનતા રહે અને તૂટતા પણ રહે.’ ઑસ્ટ્રેલિયાના આક્રમક બૅટર ગ્લેન મૅક્સવેલે શુક્રવારે ઑકલૅન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની શ્રેણીની બીજી ટી-20માં એવું જ કંઈક કર્યું. ઑક્ટોબર, 2022માં છેલ્લી ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમેલા ઑસ્ટ્રેલિયાના આરોન ફિન્ચે ત્યારે કરીઅરની છેલ્લી સિક્સર ફટકારી એને 16 મહિના થયા ત્યાં તો મૅક્સવેલે તેના ઑસ્ટ્રેલિયન રેકૉર્ડને તોડી નાખ્યો છે. ફિન્ચે કુલ 125 સિક્સર એ શૉર્ટેસ્ટ ફૉર્મેટમાં ફટકારી હતી અને મૅક્સવેલે ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં કારકિર્દીની 126મી સિક્સર ફટકારીને તેનો વિક્રમ તોડી નાખ્યો હતો. મૅક્સવેલે પોતાના ચોથા જ બૉલમાં વિકેટ ગુમાવી એ પહેલાં તેણે છ રન બનાવ્યા હતા અને એ છ રન તેણે સિક્સરથી બનાવ્યા હતા. એ તેનો વિક્રમજનક 126મો છગ્ગો હતો અને એ ફટકાર્યા બાદ તે આઉટ થઈ ગયો હતો.
શુક્રવારે ઑસ્ટ્રેલિયાએ ન્યૂ ઝીલૅન્ડને બીજી ટી-20માં પણ હરાવી દીધું હતું. એ સાથે મિચલ માર્શના સુકાનમાં કાંગારૂઓની ટીમે 2-0થી વિજયી સરસાઈ મેળવી છે.
ઑસ્ટ્રેલિયાની ટીમ બૅટિંગ મળ્યા પછી સારી શરૂઆત કરી હતી. 85 રનમાં એની માત્ર એક વિકેટ પડી હતી, પણ એ સ્કોર પર ધબડકો શરૂ થયો અને સમયાંતરે વિકેટ પડતાં છેવટે આખી ટીમ 174 રનના સ્કોરે ઑલઆઉટ થઈ હતી. કિવી ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસને સૌથી વધુ ચાર વિકેટ અને ઍડમ મિલ્ન, બેન સીઅર્સ તથા કૅપ્ટન મિચલ સૅન્ટનરે બે-બે વિકેટ લીધી હતી. ટ્રેવિસ હેડના 45 રન ટીમમાં સૌથી વધુ હતા.
જવાબમાં ન્યૂ ઝીલૅન્ડની શરૂઆત ખરાબ હતી અને સ્પિનર ઍડમ ઝૅમ્પાની ચાર વિકેટને કારણે કિવીઓની ટીમ માત્ર 102 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી અને ઑસ્ટ્રેલિયાએ 72 રનથી વિજય મેળવ્યો હતો. એક પણ કિવી બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. ગ્લેન ફિલિપ્સના 42 રન ટીમમાં સૌથી વધુ હતા. કૅપ્ટન મિચલ માર્શે તેમ જ હૅઝલવૂડ અને પૅટ કમિન્સે એક-એક વિકેટ અને નૅથન એલિસે બે વિકેટ લીધી હતી. પૅટ કમિન્સે એક વિકેટ લેતાં પહેલાં માત્ર બાવીસ બૉલમાં પાંચ ફોરની મદદથી 28 રન બનાવ્યા હતા અને ઑસ્ટ્રેલિયાને પોણાબસોનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું જે બદલ તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.