સ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલીયાને વધુ એક ઝટકો! આ ઓલરાઉન્ડરે અચાનક નિવૃત્તિ જાહેર કરી

મુંબઈ: 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાનીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની (ICC Champions Trophy) શરૂઆત થવાની છે. આ ટુર્નામેન્ટ પહેલા વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા (Australian Cricket Team) છે. કેપ્ટન પેટ કમિન્સ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાને કારણે ટીમમાંથી બહાર થઇ ગયા છે. એવામાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Marcus Stoinis retires from ODI) કરી છે.

આ પણ વાંચો: IND vs ENG: જસપ્રીત બુમરાહ પહેલી બે ODI નહીં રમે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સાજો થઇ જશે?

આ કારણે લીધી નિવૃત્તિ:

માર્કસ સ્ટોઇનિસે આ નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું કે તે T20 ક્રિકેટ પર વધુ ધ્યાન આપવા માંગે છે. સ્ટોઇનિસે 2015 માં ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 71 ODI મેચ રમી હતી. સ્ટોઇનિસને અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાને હવે તેનું રિપ્લેસમેન્ટ શોધવાની જરૂર પડશે.

સ્ટોઇનિસે કહ્યું “ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટ રમવું એ એક અદ્ભુત સફર રહી છે, અને હું ગ્રીન અને ગોલ્ડ (ઓસ્ટ્રેલીયાના રાષ્ટ્રીય રંગો) વાતાવરણમાં વિતાવેલી દરેક ક્ષણ માટે આભારી રહીશ. વિશ્વકક્ષાએ મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ એવી ગર્વની વાત જેની હું હંમેશા કદર કરીશ.”

સ્ટોઇનિસે કહ્યું,”આ નિર્ણય સરળ નહોતો, પરંતુ મારું માનવું છે કે વનડેથી દૂર રહેવાનો અને મારી કારકિર્દીના આગામી પ્રકરણ પર વધુ ધ્યાન આપવાનો આ યોગ્ય સમય છે. રોન (એન્ડ્રુ મેકડોનાલ્ડ, ઓસ્ટ્રેલીયન કોચ) સાથે મારો સારો સંબંધ છે.”

સ્ટોઇનિસની ODI કારકિર્દી:

સ્ટોઇનિસે ગત નવેમ્બરમાં પાકિસ્તાન સામે છેલ્લી મેચ રમી હતી. તેણે ODI ફોર્મેટમાં 1,495 રન બનાવ્યા છે અને 48 વિકેટ ઝડપી છે. સ્ટોઇનિસ 2023 માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો અને 2018-19 માં ટીમનો ODI ક્રિકેટર ઓફ ધ યર હતો. સ્ટોઇનિસે 2017 માં ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે અણનમ 146 રનની બેસ્ટ ઇનિંગ રમી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાની ચિંતા:

કમિન્સ, હેઝલવુડ અને સ્ટોઈનિસ ઉપરાંત, ઓલરાઉન્ડર મિશેલ માર્શને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે કારણ કે તે હજુ સુધી પીઠની ઈજામાંથી સ્વસ્થ થઇ શક્યો નથી. આ ખેલાડીઓની જગ્યાએ ટીમમાં કોને તક મળશે અને ટીમનો કેપ્ટન કોણ હશે એની ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ સમાપ્ત થયા બાદ જાહેરાત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button