આનંદો! ભારત હજી પણ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી શકે, જાણો કેવી રીતે…
જાણી લઈએ ન્યૂ ઝીલૅન્ડ સહિતના તમામ મજબૂત દાવેદાર દેશોના સમીકરણ...
પુણે: અહીં શનિવારે ન્યૂ ઝીલૅન્ડ સામે સતત બીજી ટેસ્ટ તેમ જ સિરીઝ હારી જતાં હવે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની લાગલગાટ ત્રીજી ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાને મોટો ફટકો પડ્યો છે. કિવીઓએ ત્રણ મૅચવાળી આ સિરીઝમાં પહેલાં તો બેન્ગલૂરુની પ્રથમ મૅચમાં ભારતને 46 રનમાં ઑલઆઉટ કરીને અભૂતપૂર્વ આંચકો આપ્યો અને ત્યાર બાદ હવે પુણેની બીજી મૅચમાં પણ હરાવીને ટીમ ઇન્ડિયાને બીજો કરન્ટ આપ્યો છે. જોકે આ બધુ બની જવા છતાં ભારત ટેસ્ટના વર્લ્ડ કપની (ડબ્લ્યૂટીસીની) ફાઇનલ માટે હજી પણ દાવેદાર છે. જોકે બીજા ચારમાંથી કોઈ બે દેશ પણ જૂન, 2025ની લૉર્ડ્સની ફાઇનલમાં પહોંચી શકે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
પુણેમાં શનિવારે ભારતીય ટીમ 359 રનના લક્ષ્યાંક સામે 245 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ન્યૂ ઝીલૅન્ડનો 113 રનથી વિજય થયો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલ (77 રન, 65 બૉલ, 93 મિનિટ, ત્રણ સિક્સર, નવ ફોર)નું 245 રનમાં સૌથી મોટું યોગદાન હતું. રવીન્દ્ર જાડેજા (42 રન, 84 બૉલ, 99 મિનિટ, બે ફોર) પણ લડાયક ઇનિંગ્સ રમ્યો હતો, પરંતુ બીજા સ્ટાર બૅટર્સ નિષ્ફળ જતાં તેમની મહેનત અપૂરતી સાબિત થઈ હતી.
ભારત ઘરઆંગણે સતત 18 ટેસ્ટ-શ્રેણી જીત્યા પછી 19મી સિરીઝમાં હાર્યું છે અને 12 વર્ષના લાગલગાટ વિજયનો ઐતિહાસિક સિલસિલો તૂટ્યો છે. ન્યૂ ઝીલૅન્ડ 70 વર્ષમાં પહેલી વાર ભારતમાં ટેસ્ટ-શ્રેણી જીતવામાં સફળ થયું છે.
કિવીઓ ભારત સામેની સિરીઝમાં 2-0થી આગળ છે. એ તો ઠીક, પણ 2021ની સૌપ્રથમ ડબ્લ્યૂટીસીના ચૅમ્પિયન ન્યૂ ઝીલૅન્ડે ડબ્લ્યૂટીસીનો આરંભ થયો ત્યાર બાદ પહેલી વાર વિદેશી ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતવામાં સફળતા મેળવી છે.
ભારતે કિવીઓ સામે ટેસ્ટ-સિરીઝ ગુમાવી દેતાં ડબ્લ્યૂટીસીના પૉઇન્ટ્સ-ટેબલમાં ભારતના પૉઇન્ટ પર્સન્ટેજ આઠ જ દિવસમાં 74.00થી ઘટીને 62.82 થઈ ગયા છે.
જોકે રોહિત ઍન્ડ કંપની ડબ્લ્યૂટીસીના ટેબલમાં હજીયે મોખરે છે. હા, ઑસ્ટ્રેલિયાની સરખામણીમાં પાતળા માર્જિનથી આગળ છે. ભારતીય ટીમ 62.82ના પૉઇન્ટ પર્સન્ટેજ સાથે અવ્વલ છે, જ્યારે ઑસ્ટ્રેલિયા 62.50ના પર્સન્ટેજ સાથે બીજા નંબરે છે. ભારત હજી પણ આવતા વર્ષે લૉર્ડ્સમાં 11ની જૂનથી રમાનારી ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં પહોંચી શકે એમ છે.
2021ની અને 2023ની પહેલી બન્ને ફાઇનલમાં ભારત પહોંચ્યું હતું, પરંતુ અનુક્રમે ન્યૂ ઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.
જો ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં રમાનારી ટેસ્ટ-મૅચોના પરિણામો ભારતની તરફેણમાં આવશે તો ભારત ફાઇનલની હૅટ-ટ્રિક કરી શકશે. હા, હવે રોહિત શર્મા ઍન્ડ કંપનીને એક પણ ટેસ્ટનો પરાજય નહીં પરવડે. પહેલી નવેમ્બરથી વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ત્રીજી અને આખરી ટેસ્ટ રમાશે. ત્યાર બાદ રોહિતની ટીમ પાંચ ટેસ્ટ રમવા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. બાકીની આ છ ટેસ્ટમાંથી ભારતને હવે એક પરાજય પણ ભારે પડી શકે. બીજી રીતે કહીએ તો બાકીની છમાંથી પાંચ ટેસ્ટ ભારતે જીતવી પડશે અને એક ટેસ્ટ ડ્રૉમાં જશે તો પણ ચાલશે. હા, એક પણ હાર નહીં જ ચાલે. પાંચ જીત અને એક ડ્રૉ સહિત ભારત 71.05ના પૉઇન્ટ પર્સન્ટેજ સાથે ફાઇનલમાં જઈ શકશે. જો ભારત બાકીની તમામ છ ટેસ્ટ જીતશે તો પર્સન્ટેજ 74.56 થઈ જશે જેે પૉઇન્ટ-ટેબલમાં એને સર્વોપરી બનાવી શકે. એ માટે ભારતે વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડને અંતિમ ટેસ્ટમાં હરાવવું પડે અને પછી ઑસ્ટ્રેલિયામાં સિરીઝ 5-0થી જીતવી પડે.
ઉલ્લેખનીય છે કે ભારત તથા ઑસ્ટ્રેલિયા ઉપરાંત સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડ પણ ડબ્લ્યૂટીસીની ફાઇનલ માટે દાવેદાર છે. આ બધામાં સાઉથ આફ્રિકાનો ચાન્સ સૌથી વધુ છે.
આ પણ વાંચો : અરે!…કોહલી અને સાઉધી વચ્ચે આ હાથચાલાકી શેની છે ભાઈ?…વીડિયો જોવા જેવો છે
ભારત બાકીની છમાંથી બે ટેસ્ટ જીતશે તો પૉઇન્ટ પર્સન્ટેજ જરૂરી 60.00થી વધુ રહેશે, પરંતુ એ સ્થિતિમાં અન્ય ટીમોના પરિણામો પર મોટો મદાર ભારતે રાખવો પડશે. બીજું, આપણે બે જીત મેળવીએ તો બાકીની ચાર ટેસ્ટ ડ્રૉમાં જવી જોઈશે.
ડબ્લ્યૂટીસીમાં કયા દાવેદાર દેશની હવે કોની સામે ટેસ્ટ બાકી?
1 | ભારત | ન્યૂ ઝીલૅન્ડ સામે એક ટેસ્ટ (ઘરઆંગણે) અને ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ (ઑસ્ટ્રેલિયામાં) |
2 | ઑસ્ટ્રેલિયા | ભારત સામે પાંચ ટેસ્ટ (ઘરઆંગણે) |
3 | સાઉથ આફ્રિકા | બાંગ્લાદેશ સામે એક ટેસ્ટ (બાંગ્લાદેશમાં), શ્રીલંકા સામે બે ટેસ્ટ (ઘરઆંગણે), પાકિસ્તાન સામે બે ટેસ્ટ (ઘરઆંગણે) |
4 | શ્રીલંકા | સાઉથ આફ્રિકા સામે બે ટેસ્ટ (સાઉથ આફ્રિકામાં) |
5 | ન્યૂ ઝીલૅન્ડ | ભારત સામે એક ટેસ્ટ (ભારતમાં), ઇંગ્લૅન્ડ સામે ત્રણ ટેસ્ટ (ઘરઆંગણે) |
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનું પૉઇન્ટ-ટેબલ
ક્રમ | ટીમ | મૅચ | જીત | હાર | ડ્રૉ | પૉઇન્ટ | પૉઇન્ટ પર્સન્ટેજ |
1 | ભારત | 13 | 8 | 4 | 1 | 98 | 62.82 |
2 | ઑસ્ટ્રેલિયા | 12 | 8 | 3 | 1 | 90 | 62.50 |
3 | શ્રીલંકા | 9 | 5 | 4 | 0 | 60 | 55.56 |
4 | ન્યૂ ઝીલૅન્ડ | 10 | 5 | 5 | 0 | 60 | 50.00 |
5 | સાઉથ આફ્રિકા | 7 | 3 | 3 | 1 | 40 | 47.62 |
6 | ઇંગ્લૅન્ડ | 19 | 9 | 9 | 1 | 93 | 40.79 |
7 | પાકિસ્તાન | 10 | 4 | 6 | 0 | 40 | 33.33 |
8 | બાંગ્લાદેશ | 9 | 3 | 6 | 0 | 33 | 30.56 |
9 | વેસ્ટ ઇન્ડિઝ | 9 | 1 | 6 | 2 | 20 | 18.52 |