ઑસ્ટ્રેલિયા ત્રણ દિવસમાં ટેસ્ટ જીત્યું, નવી ડબલ્યૂટીસીમાં મોખરે

બ્રિજટાઉન: ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનમાં સાઉથ આફ્રિકા સામેની ફાઈનલ થોડા જ દિવસ પહેલાં હારી ગયું, પણ શુક્રવારે પૅટ કમિન્સની ટીમે નવી ડબ્લ્યૂટીસીની સીઝનમાં સતત ચોથી ટેસ્ટ (TEST) જીતીને મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. અહીં બ્રિજટાઉન (BRIDGETOWN)માં ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝને ત્રણ જ દિવસની અંદર 159 રનના માર્જિનથી હરાવી દીધું હતું.
ડબલ્યૂટીસીમાં શુક્રવાર સુધી ઇંગ્લૅન્ડ પ્રથમ ક્રમે હતું. જોકે હવે ઑસ્ટ્રેલિયા (AUSTRALIA) નંબર વન થઈ ગયું છે.
વેસ્ટ ઈન્ડિઝ (WEST INDIES)ને જીતવા માટે 301 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ રોસ્ટન ચેઝની કેપ્ટન્સીમાં યજમાન ટીમ ફક્ત 141 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
ત્રીજા દિવસની રમત પૂરી થવાની છેલ્લી ક્ષણો બાકી હતી. અંતિમ ઓવરના ચાર બૉલ ફેંકાવાના બાકી હતા અને કૅરિબિયનોનો સ્કોર 8/141 હતો. જૉશ હૅઝલવૂડે (12-3-43-5) એ આખરી ઓવરના ત્રીજા બૉલમાં શમાર જોસેફ ( 44 રન)ની વિકેટ લીધી હતી અને ચોથા બૉલમાં જેડન સીલ્સ (0)ને પણ આઉટ કરીને ઑસ્ટ્રેલિયાને રોમાંચક વિજય અપાવ્યો હતો.

આઈપીએલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી વતી રમનાર 34 વર્ષના હૅઝલવૂડે ટેસ્ટ ક્રિકેટમાં 13મી વખત એક દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી છે.
સ્પિનર નૅથન લાયને બે વિકેટ તેમ જ પેટ કમિન્સ અને મિચલ સ્ટાર્કે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ઑસ્ટ્રેલિયાનો બીજો દાવ 310 રનના સ્કોર પર પૂરો થયો હતો જેમાં ટ્રેવિસ હેડ, ઍલેકસ કૅરી અને બ્યૂ વેબ્સટરના 60-પ્લસ રન હતા. પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયાના 180 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 190 રન કર્યા હતા. કૅરિબિયન ટીમ 10 રનની સરસાઈ લીધા પછી પણ બીજા દાવમાં કંગાળ બૅટિંગને કારણે હારી ગયું.
જૉશ હૅઝલવૂડે આખી મૅચમાં કુલ સાત વિકેટ લીધી હતી. પહેલા દાવમાં 59 રન અને બીજા દાવમાં 61 રન કરનાર ટ્રેવિસ હેડને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ભારતીય બૅટ્સમેનોને પડકાર, ઇંગ્લૅન્ડે ચાર વર્ષે આ ફાસ્ટ બોલરને ટીમમાં સમાવ્યો