સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા બીજી ઍશિઝ ટેસ્ટ પણ જીત્યું, સ્ટાર્ક ફરી મૅન ઑફ ધ મૅચ

સ્ટીવ સ્મિથે વિલ જૅક્સનો એક હાથે ડાઇવિંગ કૅચ ઝીલ્યા પછી બે છગ્ગા, બે ચોક્કા સાથે ખેલ વહેલો ખતમ કર્યો

બ્રિસ્બેનઃ ઑસ્ટ્રેલિયાએ અહીં ગૅબા (Gabba)ના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ઍશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મૅચ (પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટ)માં ઇંગ્લૅન્ડને આઠ વિકેટે હરાવીને સરસાઈ 2-0ની કરી લીધી હતી. કાંગારુઓને રવિવારના ચોથા દિવસે જીતવા માત્ર 69 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેમણે બે વિકેટના ભોગે મેળવી લીધો હતો.

સ્મિથ-આર્ચર વચ્ચે ચકમક

કાર્યવાહક સુકાની સ્ટીવ સ્મિથ (Steve Smith) સામાન્ય રીતે વધુ પડતા આક્રમક મિજાજથી રમનારો બૅટ્સમૅન નથી, પરંતુ તેણે મૅચની છેલ્લી પળોમાં બ્રિટિશ પેસ બોલર જોફ્રા આર્ચરની એક ઓવરમાં ઉપરાઉપરી બે ફોર તેમ જ એક સિક્સર ફટકારીને પોતાનો મૂડ બતાવી દીધો હતો. આર્ચરે કલાકે સરેરાશ 150 કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યા હતા જેમાંના તેના એક બાઉન્સર પછી સ્મિથે તેને ઝડપી બૉલ ફેંકવા પડકાર્યો હતો. આર્ચરે વધુ પેસ સાથે ફેંકેલા બૉલમાં સ્મિથે પહેલાં ચોક્કો અને પછી વિનિંગ છગ્ગો ફટકાર્યો હતો. એ સાથે, ગૅબામાં સ્મિથના 1,000 રન પૂરા થયા હતા.

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડ ફરી બાઝબૉલ સ્ટાઇલની બૅટિંગના ચક્કરમાં ફસાયું, ઑસ્ટ્રેલિયા 2-0ની દિશામાં…

સ્મિથના નવ બૉલમાં 23 રન

ઑસ્ટ્રેલિયાનો સ્કોર જ્યારે 2/63 હતો ત્યારે ગસ ઍટક્નિસનની ઓવરના છેલ્લા બૉલમાં સ્મિથે જેવી વિનિંગ સિક્સર ફટકારી કે તરત જ સાથી બૅટ્સમૅન જેક વેધરાલ્ડ તેને ભેટી પડ્યો હતો અને પછી આખી યજમાન ટીમનું સેલિબે્રશન શરૂ થઈ ગયું હતું. સ્મિથ નવ બૉલમાં બે છગ્ગા અને બે ચોક્કાથી 23 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે વેધરાલ્ડ 17 રને અણનમ હતો. એ પહેલાં, ઓપનર ટ્રૅવિસ હેડ બાવીસ રન તથા માર્નસ લાબુશેન ત્રણ રન કરીને આઉટ થયો હતો. બન્ને વિકેટ ગસ ઍટક્નિસને લીધી હતી.

સ્ટાર્કની દસ પછી આઠ વિકેટ

આખી મૅચમાં કુલ આઠ વિકેટ લેવા ઉપરાંત પ્રથમ દાવમાં ઉપયોગી 77 રન કરનાર મિચલ સ્ટાર્કને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. ઉપરાઉપરી બીજી મૅચમાં તે આ પુરસ્કાર જીત્યો હતો. પર્થની પ્રથમ ટેસ્ટમાં તેણે કુલ 10 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : Video: જયસ્વાલ કેક ખવડાવવા ગયો, તો રોહિત શર્માએ આવું કહીને કરી ઇનકાર દીધો

ઇંગ્લૅન્ડના બીજા દાવમાં 10/241

રવિવારે ઇંગ્લૅન્ડનો બીજો દાવ 241 રનના સ્કોર પર પૂરો થતાં ઑસ્ટ્રેલિયાને માત્ર 65 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઇંગ્લૅન્ડની છેલ્લી જે ચાર વિકેટ પડી એમાં ચાર બૅટ્સમેનના વિકેટકીપર ઍલેક્સ કૅરીએ અને ત્રણ કૅચ સ્ટીવ સ્મિથે ઝીલ્યા હતા. ખાસ કરીને સ્મિથે પેસ બોલર માઇકલ નેસરના એક બૉલમાં વિલ જૅક્સ (41 રન, 92 બૉલ, 183 મિનિટ, બે ફોર)નો ડાઇવ મારીને એક હાથે નીચો કૅચ ઝીલ્યો હતો. નેસરે કુલ પાંચ વિકેટ તથા મિચલ સ્ટાર્ક અને સ્કૉટ બૉલેન્ડે બે-બે વિકેટ મેળવી હતી.

10 દિવસના બ્રેક પછી ત્રીજી ટેસ્ટ

ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં જૉ રૂટના લડાયક અણનમ 138 રનની મદદથી 334 રન કર્યા હતા જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ પાંચ પ્લેયરની હાફ સેન્ચુરીની મદદથી 511 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ઇંગ્લૅન્ડ 241 રનમાં આઉટ થઈ ગયું હતું. ઑસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બે જ દિવસમાં જીતી લીધી હતી. હવે ત્રીજી ટેસ્ટ 17મી ડિસેમ્બરથી (10 દિવસના લાંબા બ્રેક બાદ) ઍડિલેઇડમાં રમાશે.

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડે પાંચ કૅચ છોડ્યા પછી ઑસ્ટ્રેલિયાની 44 રનની સરસાઈ…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button