લખનઉ: ભારત સામે હાર્યા પછી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનઉમાં મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સાઉથ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ કપની પોતાની પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયા ભારત સામે જે રીતે આ મેચ હારી ગયું છે તેનાથી તેની ટીમ મેનેજમેન્ટ ચોક્કસપણે ચિંતિત હશે. તેની બેટિંગમાં આક્રમકતાનો અભાવ હતો અને અનુભવી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સિવાય તેનો અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ભારતના સ્પિન આક્રમણ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર એ છે કે તેનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને તે કેમરૂન ગ્રીનનું સ્થાન લેશે. સ્ટોઈનિસ એક મેચ વિનિંગ ખેલાડી છે. તેને લખનઉના મેદાન પર રમવાનો અનુભવ છે. ઝડપી બોલિંગમાં તે પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કની પણ મદદ કરશે. ગ્લેન મેક્સવેલ બીજા સ્પિનરની ભૂમિકા ભજવશે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય સ્પિનર ઝમ્પા પર સારું પ્રદર્શન કરવાનું દબાણ હશે.
દક્ષિણ આફ્રિકાનો ઓપનર ડિ કોક પણ આઇપીએલમાં લખનઉ તરફથી રમે છે. તેની પાસે પણ આ મેદાન પર રમવાનો સારો અનુભવ છે. વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર રાસી વાન ડેર ડુસેન અને એડન માર્કરામ મેચમાં પોતાના દમ પર જીતવાની ક્ષમતા ધરાવે છે.
દક્ષિણ આફ્રિકા તબરેઝ શમ્સીને ટીમમાં સામેલ કરી શકે છે. દક્ષિણ આફ્રિકા પાસે વેન ડેર ડુસેન, કેપ્ટન ટેમ્બા બાવુમા, ડેવિડ મિલર, ડી કોક, હેનરિક ક્લાસેન અને એડન માર્કરમ જેવા મજબૂત બેટ્સમેન છે જેઓ સ્પિન સારી રીતે રમે છે. ઝડપી બોલિંગમા કગિસો રબાડા, લુંગી એનગિડી અને માર્કો જેન્સને પ્રદર્શનમાં સુધારો કરવો પડશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને