મૅક્સવેલે ઑસ્ટ્રેલિયાને એક બૉલ બાકી રાખીને સિરીઝ જિતાડી આપી…

કેર્ન્સ (ઑસ્ટ્રેલિયા): ગ્લેન મૅક્સવેલે શનિવારે અહીં ઑસ્ટ્રેલિયા (Australia)ને રોમાંચક વિજય અપાવ્યો હતો. પહેલાં તેણે સાઉથ આફ્રિકાના ટૉપ-સ્કોરર ડેવાલ્ડ બ્રેવિસ (53 રન, 26 બૉલ, છ સિક્સર, એક ફોર)નો કૅચ ઝીલ્યો હતો અને પછી ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં 173 રનનો લક્ષ્યાંક મેળવતી વખતે આતશબાજી (62 અણનમ, 36 બૉલ, બે સિક્સર, આઠ ફોર) કરીને ઑસ્ટ્રેલિયાને એક બૉલ બાકી રાખીને જિતાડી દીધું હતું. એ સાથે ઑસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
છેલ્લા બે બૉલમાં ઑસ્ટ્રેલિયાએ જીતવા ચાર રન કરવાના હતા. લુન્ગી ઍન્ગિડીના સેકન્ડ-લાસ્ટ બૉલમાં મૅક્સવેલે (Glenn Maxwell) ફોર ફટકારી દીધી હતી. ટી-20 ઇન્ટરનૅશનલમાં મૅક્સવેલની આ 12મી હાફ સેન્ચુરી હતી.
આ જીતમાં કૅપ્ટન મિચલ માર્શ (54 રન, 37 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. ઑસ્ટ્રેલિયન ટીમે સાઉથ આફ્રિકાના 7/172ના જવાબમાં 19.5 ઓવરમાં 8 વિકેટે 173 રન કરીને મૅચ જીતી લીધી હતી. સાઉથ આફ્રિકાના કૉર્બિન બૉસ્ચે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
બન્ને ટીમના ખેલાડીઓએ મૅચ પહેલાં બે મિનિટ મૌન (Two minutes SILENCE) પાડીને ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર બૉબ સિમ્પસનને અંજલિ આપી હતી. કાંગારૂ ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.