ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકા નવ વર્ષથી જીતે જ છેઃ સતત આટલામી સિરીઝ જીત્યું...
સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકા નવ વર્ષથી જીતે જ છેઃ સતત આટલામી સિરીઝ જીત્યું…

વન-ડે ફૉર્મેટમાં કાંગારુંઓની શ્રેણી-પરાજયની હૅટ-ટ્રિક

મકાયઃ સાઉથ આફ્રિકાએ યજમાન ઑસ્ટ્રેલિયા (Australia)ને અહીં શુક્રવારે વન-ડે શ્રેણીની સતત બીજી મૅચમાં પણ હરાવીને ટ્રોફી પર 2-0ની વિજયી સરસાઈ સાથે કબજો કરી લીધો હતો અને સૌથી મોટી વાત એ છે કે ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકા (South Africa) નવ વર્ષથી વન-ડે સિરીઝ જીતે જ છે અને શુક્રવારે લાગલગાટ પાંચમી શ્રેણીમાં કાંગારુંઓ તેમની સામે હારી ગયા હતા. પેસ બોલર લુન્ગી ઍન્ગિડી (8.4-1-42-5) શુક્રવારનો મૅન ઑફ ધ મૅચ હતો.

2016થી 2025 સુધીમાં બન્ને દેશ વચ્ચે કુલ પાંચ વન-ડે સિરીઝ રમાઈ છે અને એ તમામમાં સાઉથ આફ્રિકાએ ટ્રોફી જીતી લીધી છે. વર્તમાન શ્રેણીમાં હજી એક મૅચ રમાવાની બાકી હોવાથી એઇડન માર્કરમની ટીમને 3-0થી ક્લીન સ્વીપ કરવાની તક છે.

સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને 23 રનમાં માર્કરમ, રિકલ્ટનના રૂપમાં પહેલી બે વિકેટ ગુમાવી હતી. પછીથી બે મોટી ભાગીદારીએ ટીમને મોટી મુશ્કેલીમાંથી બચાવી લીધી હતી. મૅથ્યૂ બ્રીટ્ઝકે (88 રન, 78 બૉલ, બે સિક્સર, આઠ ફોર) અને ટોની ડિ ઝોર્ઝી (38 રન, 39 બૉલ, પાંચ ફોર) વચ્ચે 62 બૉલમાં 67 રનની અને બ્રીટ્ઝકે તથા ટ્રિસ્ટેન સ્ટબ્સ (74 રન, 87 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 90 બૉલમાં 89 રનની ભાગીદારી થઈ હતી.

સ્ટબ્સ અને વિઆન મુલ્ડર (26 રન, 21 બૉલ, ચાર ફોર) વચ્ચેની 48 રનની ભાગીદારીએ પણ ટીમને 250-પ્લસનો સ્કોર અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. શ્રેણીની પ્રથમ વન-ડેમાં પાંચ વિકેટ લેનાર કેશવ મહારાજે અણનમ બાવીસ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાના સ્પિનર ઍડમ ઝૅમ્પાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાની ટીમ 193 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાનો 84 રનથી વિજય થયો હતો. વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (87 રન, 74 બૉલ, બે સિક્સર, 10 બૉલ) અને કૅમેરન ગ્રીન (35 રન, 54 બૉલ, ત્રણ ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટેની 67 રનની ભાગીદારી ઑસ્ટ્રેલિયાની ટીમમાં સૌથી મોટી હતી.

https://twitter.com/ProteasMenCSA/status/1958898169376362665

તેમને બાદ કરતા બીજા બૅટ્સમેન નિષ્ફળ જતાં મિચલ માર્શની ટીમે ઘરઆંગણે જ સિરીઝ-પરાજયની નામોશી જોવી પડી હતી. સાઉથ આફ્રિકન બોલર્સમાં ઍન્ગિડી (Lungi Ngidi)ની પાંચ વિકેટ ઉપરાંત નાન્ડ્રે બર્ગર અને સેનુરન મુથુસામીએ બે-બે વિકેટ મેળવી હતી.

મૅચ પછી ઍન્ગિડી અને કેશવ મહારાજે છેલ્લી બે મૅચમાં જેનાથી પાંચ-પાંચ વિકેટ લીધેલી એ બૉલ સાથે તસવીર પડાવી હતી.

આ પણ વાંચો…મહારાજ કી જય હો!: સાઉથ આફ્રિકા જીતીને 1-0થી આગળ…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button