મહારાજ કી જય હો!: સાઉથ આફ્રિકા જીતીને 1-0થી આગળ...
સ્પોર્ટસ

મહારાજ કી જય હો!: સાઉથ આફ્રિકા જીતીને 1-0થી આગળ…

કેર્ન્સઃ ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા (south africa)એ મંગળવારે અહીં યજમાન ઑસ્ટ્રેલિયા (Australia)ને વન-ડે શ્રેણીની પ્રથમ મૅચમાં 98 રનથી હરાવીને 1-0થી સરસાઈ લીધી હતી. લેફ્ટ-આર્મ સ્પિનર કેશવ મહારાજ (10-1-33-5) આ મૅચનો સુપરસ્ટાર હતો. તેની સામે મિચલ માર્શની ટીમે જાણે ઘૂંટણિયા ટેકવ્યા હતા.

કેર્ન્સમાં સ્પિનર્સને વધુ અનુકૂળ પડે એવી પિચ પર મહારાજે (Keshav Maharaj) નવ ઓવર બાકી રાખીને સાઉથ આફ્રિકાને વિજય અપાવ્યો હતો.

ભારતીય મૂળના 35 વર્ષીય સ્પિનર મહારાજની આ 49મી વન-ડે હતી. આ પહેલાં ઑસ્ટ્રેલિયા સામેનો 4/33નો પર્ફોર્મન્સ વન-ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ હતો, પરંતુ તેણે ઑસ્ટ્રેલિયા સામે જ પોતાનો નવો વિક્રમ નોંધાવ્યો છે. તેણે વન-ડે કરીઅરમાં પહેલી વાર પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી.

સાઉથ આફ્રિકાએ માર્કરમના 82 રન, કૅપ્ટન બવુમાના 65 રન અને બ્રીટ્ઝકેના 57 રનની મદદથી આઠ વિકેટે 296 રન કર્યા હતા. કેર્ન્સના મેદાન પર વન-ડેનો આ સૌથી મોટો ટીમ-સ્કોર હતો. ટ્રૅવિસ હેડે ચાર વિકેટ લીધી હતી.

કાંગારુઓની ટીમ કૅપ્ટન મિચલ માર્શના 88 રન છતાં માત્ર 198 રનમાં ઑલઆઉટ થઈ જતાં સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો. નેન્ડ્રે બર્ગર અને લુન્ગી ઍન્ગિડીએ બે-બે વિકેટ લીધી હતી. ઓપનર ટ્રૅવિસ હેડ (27 રન)ની મહત્ત્વની વિકેટ ઑફ સ્પિનર પ્રેનેલન સુબ્રાયને લીધી હતી.

આ પણ વાંચો…સાઉથ આફ્રિકાના બૅટ્સમૅને લારાનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનું માંડી વાળ્યું અને પછી કહ્યું…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button