કેપ્ટન મિચલ માર્શ વિનાના ઑસ્ટ્રેલિયાએ બિગ હિટિંગ વગર આયરલૅન્ડને હરાવ્યું

કોલંબો: બુધવારે બપોરે સાઉથ આફ્રિકાએ અમદાવાદમાં અફઘાનિસ્તાનને ટી-20 વર્લ્ડ કપમાં સૌપ્રથમ ડબલ સુપર ઓવરના ધમાકા વચ્ચે હરાવી દીધું એની તુલનામાં અહીં કોલંબોમાં 2022ના ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા અને આયરલૅન્ડ વચ્ચેની મૅચ ઑસ્ટ્રેલિયન બોલરના તરખાટોને બાદ કરતા એકંદરે નીરસ રહી હતી.
ઑસ્ટ્રેલિયા (Australia)નો કેપ્ટન મિચલ માર્શ ઈજાને કારણે આ મૅચમાં નહોતો અને ટ્રેવિસ હેડે નેતૃત્વની જવાબદારી સંભાળી હતી. આઇપીએલમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવવા માટે જાણીતા ટ્રેવિસ હેડે માત્ર 6 રન બનાવીને રનઆઉટમાં વિકેટ ગુમાવવાની સાથે નિસ્તેજ શરૂઆત કરી હતી.
ઑસ્ટ્રેલિયાની ટીમ બૅટિંગ લીધા બાદ 20 ઓવર છ વિકેટે 182 રન કરી શકી હતી જેમાં માર્કસ સ્ટોઈનિસના 46 રન અને જૉસ ઈંગ્લીસ તથા મૅટ રેન્શૉના 37-37 રન સામેલ હતા.
આપણ વાચો: ઍશિઝ સિરીઝમાં છેલ્લા દિવસે આવી ગયું પરિણામ, ભારે રસાકસી વચ્ચે ઑસ્ટ્રેલિયા…
કૅમેરન ગ્રીન અપેક્ષા જેવું નહોતો રમ્યો. તેણે બે સિક્સર અને એક ફોરની મદદથી માત્ર 21 રન કર્યા હતા. આઇરિસ પેસ બોલર માર્ક ઍડેરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. હમફ્રેઝ, ડોકરેલ અને ટેકટરને એક-એક વિકેટ મળી હતી.
આયરલેન્ડ (Ireland) માટે 183 રનનો લક્ષ્યાંક ખૂબ મોટો હતો અને તેઓ ધારણા મુજબ ઑસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણને વશ થઈ ગયા હતા. એક પણ આઇરિસ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો અને 16.5 ઓવરમાં 115 રનના કુલ સ્કોર પર તેમનો દાવ સમેટાઈ ગયો હતો. જ્યોર્જ ડોકરેલના 41 રન ટીમમાં હાઈએસ્ટ હતા.
તેણે બે સિક્સર અને ત્રણ ફોર ફટકારીને પ્રેક્ષકોનું થોડું મનોરંજન કર્યું હતું. પેસ બોલર નેથન એલિસ અને સ્પિનર ઍડમ ઝેમ્પાએ અનુક્રમે 12 રનમાં ચાર વિકેટ અને 23 રનમાં ચાર વિકેટ મેળવી હતી.
આપણ વાચો: હાર્દિક પંડ્યા અને ઑસ્ટ્રેલિયાના પારસી ક્રિકેટર વચ્ચે શું કનેક્શન છે, જાણો છો?
Nathan Ellis' clever bowling paved the way for a solid Australia win and got him the @aramco POTM award pic.twitter.com/jMTrwOFJTf
— ICC (@ICC) February 11, 2026
નવાઈની વાત એ છે કે સામાન્ય રીતે ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં ચોગ્ગા ઉપરાંત છગ્ગાનો પણ વરસાદ થતો હોય છે, પરંતુ કાંગારુઓની આખી ઇનિંગ્સમાં માત્ર પાંચ સિક્સર ગઈ હતી. યોગાનુયોગ એટલી જ સિક્સર આયરલેન્ડની ઇનિંગ્સમાં પણ જોવા મળી હતી.



