સૂર્યકુમાર યાદવ આ માથાના દુખાવાને કેમ સારો કહેવડાવે છે?

કૅનબેરાઃ બુધવાર, 29મી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા (Australia) સામે શરૂ થઈ રહેલી પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબેરાના મનુકા ઓવલ ગ્રાઉન્ડમાં રમાનારી પ્રથમ મૅચ (ભારતીય સમય મુજબ બપોરે 1.45 વાગ્યાથી) પહેલાં વર્લ્ડ ચેમ્પિયન ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (SURYAKUMAR YADAV) એક સુખદ કહેવાય એવો માથાનો દુખાવો વ્યક્ત કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે ` ક્યારેક ટીમ સિલેક્ટ કરવા માટે વિકલ્પ તરીકે એટલા બધા ખેલાડીઓ ઉપલબ્ધ હોય છે કે એ બધામાંથી 15 ખેલાડીઓની ટીમ (તેમ જ પ્લેઇંગ ઇલેવન) નક્કી કરવાનું કામ પડકારરૂપ બની જાય છે.’
સૂર્યકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં એવું પણ જણાવ્યું હતું કે ` ક્યારેક તો ટીમમાં એક ખેલાડીના સ્થાન માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોય છે એટલે એ કામ સુખદ રીતે સમસ્યારૂપ બની જતું હોય છે, પરંતુ ટીમને કોની જરૂર છે એ ખેલાડીઓ સારી રીતે સમજતા હોય છે એટલે તેમનું ધ્યાન માત્ર એક સરળ ધ્યેય તરફ જ હોય છે અને એ ધ્યેય છે, ભારતને મૅચો જિતાડવામાં જરૂરી યોગદાન આપવું.’
દરેક ખેલાડીમાં બહુ સારી સમજદારી છે
સૂર્યકુમારે વધુમાં કહ્યું હતું કે ` ફાસ્ટ બોલર હોય કે સ્પિનર, ઘણા બધા વિકલ્પો હોય એ ટીમ માટે સારી વાત કહેવાય. પહેલાથી સાતમા સ્થાન સુધીમાં દરેક ખેલાડી ક્રમની બાબતમાં કોઈ પણ સ્થાને ફિટ બેસે એવો છે. આ સાતમાંથી કોઈ પણ બૅટર કોઈ પણ નંબર પર બૅટિંગ કરી શકે છે. ટીમ સિલેક્ટ કરવાનું કઠિન થઈ જાય છે, પણ આ ટીમ એવી છે જેમાં પ્રત્યેક પ્લેયર બહુ સારી રીતે જાણે છે કે પોતાનું એકમાત્ર લક્ષ્ય ભારતને જિતાડવાનું છે.
ટીમને વિજય અપાવવાનો ધ્યેય જ ધ્યાનમાં હોય ત્યારે ટીમમાં ખેલાડીઓનું કેવું કૉમ્બિનેશન હોવું જોઈએ એમાં હું માનતો જ નથી. એક ઉદાહરણ આપું, જો કોઈ ખેલાડીએ પાછલી બે મૅચમાં સારું પર્ફોર્મ કર્યું હોય પરંતુ જો નવી મૅચમાં એક વધારાનો સ્પિનર કે ઑલરાઉન્ડર કે ફાસ્ટ બોલર રમાડવાની જરૂર લાગે તો પેલા ઇન્ફૉર્મ પ્લેયરને ઇલેવનમાં ન પણ સમાવાય અને એ વાત એ પ્લેયર સારી રીતે સમજતો હોય છે. ટીમ ઇન્ડિયામાં આ પ્રકારની સમજદારી દરેકમાં છે.’
સૂર્યાએ મજાકમાં કહ્યું કે…
સૂર્યકુમારે મજાકમાં કહ્યું હતું કે ` ટીમમાં દરેક ખેલાડી સાથે મારી બહુ સારી મિત્રતા છે એટલે હું તેમણે કઈ મૅચમાં નથી રમવાનું એ હું તેમને આસાનીથી સમજાવી શકું છું. જોકે મેં ટીમના તમામ 15 ખેલાડીઓને એ પણ કહી દીધું છે કે તમારામાંથી કોઈને પણ ઇલેવનમાં સમાવવામાં આવી શકે એટલે તમારે દરેક મૅચ માટે તૈયાર રહેવું જોઈશે.’
રિન્કુ સિંહનું ઉદાહરણ આપ્યું
સૂર્યકુમારે મિડલ-ઑર્ડરના આક્રમક બૅટ્સમૅન રિન્કુ સિંહનું ઉદાહરણ આપતા કહ્યું, ` તાજેતરના એશિયા કપમાં રિન્કુ સિંહને પાકિસ્તાન સામેની ફાઇનલ પહેલાંની એક પણ મૅચમાં રમવાની તક નહોતી મળી, પણ ફાઇનલમાં જ્યારે તેને અંતિમ ક્ષણોમાં રમવા મળ્યું ત્યારે ટીમને ત્રણ-ચાર રનની જરૂર હતી અને તેણે (પોતાના પહેલા જ બૉલમાં) ફોર ફટકારીને ભારતને રોમાંચક વિજય અપાવી દીધો હતો. એ રીતે હું સ્ક્વૉડના દરેક ખેલાડીને કહેતો હોઉં છું કે તમે તૈયાર રહેજો, કોઈ પણ મૅચમાં તમને રમવાની તક મળી શકે.’
બે સિરીઝ હાર્યા, પણ આ અલગ ફૉર્મેટ છેઃ સૂર્યા
આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીયો ટેસ્ટ શ્રેણીમાં 1-3થી હારી ગયા હતા અને આ અઠવાડિયે રોહિત-કોહલીની 168 રનની મૅચ-વિનિંગ ભાગીદારી પહેલાંની બે મૅચના પરાજયને પગલે ભારતે કાંગારુઓ સામેની વન-ડે શ્રેણી 1-2થી ગુમાવી હતી. જોકે સૂર્યકુમારે આ વિશેના એક સવાલના જવાબમાં પત્રકારોને કહ્યું હતું કે ` ટેસ્ટ અને વન-ડેની તુલનામાં ટી-20 ખૂબ ભિન્ન ફૉર્મેટ છે. એમાં અમે જે રીતે પર્ફોર્મ કરતા આવ્યા છીએ એ જ રીતે રમીશું અને ટીમને વિજયી બનાવીશું. ઑસ્ટ્રેલિયામાં પરિસ્થિતિ ખૂબ અલગ હોય છે, પરંતુ એને કેવી રીતે અનુરૂપ થવું એ પણ મહત્ત્વનું છે.’

સૂર્યકુમારે ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના પુનરાગમન વિશે આનંદ વ્યક્ત કર્યો હતો. સૂર્યાએ કહ્યું, ` અત્યારની અમારી ટી-20 ટીમમાં બુમરાહ ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ રમી ચૂક્યો છે એટલે અમે બધાએ તેની પાસેથી અગાઉના અનુભવો અને પરિસ્થિતિ વિશે ઘણું બધું જાણી લીધું છે.’
ભારતની ટી-20 સિરીઝની સ્ક્વૉડઃ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિન્કુ સિંહ, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી.



