ટોચના ચારેય ઑસ્ટ્રેલિયન બૅટરે ફટકારી હાફ સેન્ચુરી, પણ બુમરાહે પણ પરચો બતાવ્યો!
મેલબર્નઃ ઑસ્ટ્રેલિયાએ અહીં બૉક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે પહેલા દાવમાં બૅટિંગ પસંદ કર્યા પછી શરૂઆત સારી કરી હતી અને ટોચના ચારેય બૅટર (સૅમ કૉન્સ્ટેસ, ઉસમાન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ)ની હાફ સેન્ચુરીની મદદથી રમતના અંત સુધીમાં છ વિકેટે 311 રન બનાવી લીધા હતા, પરંતુ વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ ફરી કટોકટીના સમયે ટીમ ઇન્ડિયાની વહારે આવ્યો હતો અને 75 રનમાં ત્રણ વિકેટ લઈને તેણે યજમાન ટીમને વધુ મોટો સ્કોર બનાવતાં રોકી હતી. ભારતીય બોલર્સ શુક્રવારે ઑસ્ટ્રેલિયન ટીમને કેટલા સ્કોર સુધી સીમિત રાખશે એના પર મૅચના પરિણામનો આધાર રહેશે. ઉલ્લેખનીય છે કે ભારત મેલબર્નમાં આ પહેલાંની સતત બે ટેસ્ટ જીત્યું હતું અને હવે અહીં વિજયની હૅટ-ટ્રિક કરવાનો ટીમ ઇન્ડિયાને મોકો છે.
19 વર્ષનો નવો ઓપનિંગ બૅટર સૅમ કૉન્સ્ટેસ (60 રન, 65 બૉલ, બે સિક્સર, છ ફોર) ગુરુવારના પહેલા દિવસનો સ્ટાર-અટ્રૅક્શન હતો. તેણે 80,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમ વચ્ચે બુમરાહ તેમ જ બીજા ભારતીય બોલર્સનો સમજદારી અને હિંમતથી સામનો કર્યો હતો. તેણે ઉસમાન ખ્વાજા (57 રન, 121 બૉલ, છ ફોર) સાથે 89 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ખ્વાજાને બુમરાહે મિડવિકેટ પર કે. એલ. રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
જોકે બુમરાહે જ્યારે સૌથી ખતરારૂપ બૅટર ટ્રેવિસ હેડ (0)ને ક્લીન બોલ્ડ કર્યો ત્યારે હજારો પ્રેક્ષકોમાંથી `બૂમ…બૂમ…બુમરાહ’ની બૂમો પડી હતી. ટ્રેવિસ હેડ બૅક-ટુ-બૅક સેન્ચુરી ફટકાર્યા બાદ અહીં આવ્યો હતો, પણ પોતાના સાતમા જ બૉલમાં બુમરાહ દ્વારા પરફેક્ટ લાઇનમાં ફેંકવામાં આવેલો બૉલ ઑફ સ્ટમ્પ તરફના બૉલને હાથ ઊંચા કરીને પાછળની દિશામાં જવા દેવાના પ્રયાસમાં (ખોટા જજમેન્ટમાં) ક્લીન બોલ્ડ થયો હતો. તેના ઑફ સ્ટમ્પની બેલ ઉડી ગઈ હતી અને ભારતીય ખેલાડીઓમાં સેલિબે્રશન શરૂ થઈ ગયું હતું.
Also read: IND vs AUS 4th Test: ICCએ વિરાટ કોહલીને દંડ ફટકાર્યો, મેદાન પર કરેલી આ હરકત ભારે પડી
પહેલા દિવસની રમતને અંતે પીઢ બૅટર સ્ટીવ સ્મિથ (68 નૉટઆઉટ, 111 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) રમી રહ્યો હતો. તેની સાથે કૅપ્ટન પૅટ કમિન્સ આઠ રને દાવમાં હતો. પહેલા બે સેશન ઑસ્ટ્રેલિયાના રહ્યા હતા, જ્યારે છેલ્લા સત્રમાં બુમરાહ જાદુઈ બોલિંગ બદલ છવાઈ ગયો હતો. ટૂંકમાં, સિરીઝમાં સૌથી વધુ 24 વિકેટ લઈ ચૂકેલા બુમરાહે ઑસ્ટ્રેલિયનોને પ્રથમ દિવસે પૂરી પકડ જમાવતા રોક્યા હતા. જોકે બુમરાહને સામા છેડા પરથી મોહમ્મદ સિરાજ (15-2-69-0)નો સપોર્ટ નહોતો મળ્યો. કમબૅકમૅન વૉશિંગ્ટન સુંદર (12-2-37-1)નો બુમરાહને સારો ટેકો મળ્યો હતો. તેણે માર્નસ લાબુશેન (72 રન, 145 બૉલ, સાત ફોર)ને મિડ-ઑફ પર વિરાટ કોહલીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
રવીન્દ્ર જાડેજા (14-2-54-1)એ ભારતને વિકેટ અપાવવાનું શરૂ કર્યું હતું. તેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ મૅચમાં સેન્ચુરી ફટકારવાની આશા સાથે આવેલા ટીનેજર સૅમ કૉન્સ્ટેસને એલબીડબ્લ્યૂમાં પૅવિલિયન ભેગો કર્યો હતો. ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 20મી ઓવરમાં પડેલી એ પ્રથમ વિકેટ જાડેજાએ લીધી તો દિવસની છેલ્લી વિકેટ આકાશ દીપે (19-5-59-1) મેળવી હતી. તેણે વિકેટકીપર ઍલેક્સ કૅરી (31 રન)ને વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ પહેલાં, પંતે બુમરાહના બૉલમાં મિચલ માર્શ (4 રન)નો પણ કૅચ પકડ્યો હતો. નીતીશ કુમાર રેડ્ડીને પાંચ ઓવર બોલિંગ મળી હતી જેમાં 10 રનમાં તેને એક પણ વિકેટ નહોતી મળી.