જૉ રૂટના 160 રનના જવાબમાં ટ્રેવિસના અણનમ 91: સિડનીમાં ફરી વરસાદનું વિઘ્ન…

સિડની: અહીં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાતી પાંચમી અને છેલ્લી ઍશિઝ ટેસ્ટમાં સોમવારના બીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને રમત વહેલી પૂરી કરી દેવામાં આવી હતી. ઇંગ્લૅન્ડનો જૉ રૂટ (160 રન, 242 બૉલ, પંદર ફોર) અને ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ (91 અણનમ) આ દિવસની રમતના બે સ્ટાર ખેલાડી હતા.
જૉ રૂટની 41મી ટેસ્ટ સદી
રમતને અંતે ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવનો સ્કોર બે વિકેટે 166 રન હતો. ટ્રેવિસ હેડ ટેસ્ટ કરીઅરની બારમી અને વર્તમાન સિરીઝની ત્રીજી સેન્ચુરીથી માત્ર નવ રન દૂર હતો. એ પહેલાં રૂટે 41મી ટેસ્ટ (Test) સદી પૂરી કરી હતી.

રૂટ-બ્રુક વચ્ચે 169 રનની ભાગીદારી
ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં 384 રન કર્યા હતા જેમાં જો રૂટ (Joe Root)ના 160 રન ઉપરાંત હૅરી બ્રુકના 84 રન સામેલ હતા. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 169 રનની ભાગીદારી થઈ હતી. ઑસ્ટ્રેલિયાના પેસ બોલર માઇકલ નેસરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયા હજી પ્રવાસી ટીમથી 218 રન પાછળ હતું. ઑસ્ટ્રેલિયાની બંને વિકેટ ઇંગ્લૅન્ડના કેપ્ટન બેન સ્ટૉકસે લીધી હતી.

ઑસ્ટ્રેલિયા 3-1થી આગળ
સિડની (Sydney)માં વરસાદના વિઘ્નો વારંવાર આવી રહ્યા હોવાથી આ મૅચ ચોથા કે પાંચમા દિવસ સુધી ચાલશે એવી પાકી સંભાવના છે. ઑસ્ટ્રેલિયાની સીરિઝમાં 3-1થી વિજયી સરસાઇ છે.
આ પણ વાંચો…ડેમિયન માર્ટિનની તબિયતમાં ચમત્કારિક સુધારો, કોમામાંથી બહાર આવીને વાતો કરવા લાગ્યો!



