સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કબૂલ્યું,` મેલબર્નની પિચ ટેસ્ટ ક્રિકેટના હિતની વિરુદ્ધમાં’

મેલબર્નઃ અહીં શનિવારે ઇંગ્લૅન્ડ (England) અને ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ઍશિઝ (Ashes) સિરીઝની ચોથી ટેસ્ટ માત્ર પોણાબે દિવસમાં પૂરી થઈ ગઈ અને ઇંગ્લૅન્ડની ટીમે તેમ જ એને ટેકો આપવા આવેલા બાર્મી આર્મીના હજારો પ્રેક્ષકોએ વિજયનું સેલિબ્રેશન કર્યું ત્યાર બાદ ખુદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) ટૉડ ગ્રીનબર્ગે કબૂલ કર્યું હતું કે મેલબર્નની પિચ ટેસ્ટ ક્રિકેટના હિતની વિરુદ્ધમાં કહેવાય, ટેસ્ટ ફૉર્મેટ પાછળનો જે આશય છે એ માટે આ પિચ સારી ન કહેવાય.’

પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયાએ 45.2 ઓવરમાં 152 રન કર્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ 29.5 ઓવરમાં 110 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં ઑસ્ટ્રેલિયા 34.3 ઓવરમાં 132 રનમાં આઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડને 175 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો અને એણે 32.2 ઓવરમાં છ વિકેટે 178 રનના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. ઑસ્ટ્રેલિયા સિરીઝમાં 3-1થી આગળ છે.

 (AAP/Dave Hunt) Australian Cricket Board Todd Greenberg

ટૂંકમાં, ચારમાંથી ત્રણ દાવ 35 ઓવરની અંદર પૂરા થઈ ગયા હતા. ટૉડ ગ્રીનબર્ગે એક ટીવી ચૅનલ પરની મુલાકાતમાં રિપોર્ટરને કહ્યું, ` ક્રિકેટફૅનના દૃષ્ટિકોણથી આ ટેસ્ટ મૅચ મંત્રમુગ્ધ કરી દેનારી અને અત્યંત રોમાંચક કહી શકાય, પરંતુ ટેસ્ટ મૅચ આટલી વહેલી પૂરી ન જ થવી જોઈએ, એ લાંબી ચાલવી જોઈએ. તમે નહીં માનો, પણ મને (શુક્રવારે) રાત્રે ઊંઘ નહોતી આવી. ટૂંકમાં કહું તો ટૂંકી ટેસ્ટ આ ફૉર્મેટના હિતમાં કહેવાય જ નહીં. આનાથી વધુ આકરા શબ્દોમાં હું કહી શકું એમ નથી. હું ઇચ્છું છું કે બૉલ અને બૅટ વચ્ચે વધુ સારું સંતુલન હોવું જોઈએ.’

ગ્રીનબર્ગે એવું પણ સૂચવ્યું હતું કે ` મને લાગે છે કે અમારે આવું ફરી ન બને એ માટે (પિચ તૈયાર કરવામાં) સક્રિયપણે કંઈક વિચારવું પડશે. પિચ બનાવતી વખતે ટેસ્ટના ફૉર્મેટ વિશે પણ વિચારવું જોઈએ.’

આ પણ વાંચો…બ્રિટિશરો 15 વર્ષે ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત્યા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button