ઇંગ્લૅન્ડે પાંચ કૅચ છોડ્યા પછી ઑસ્ટ્રેલિયાની 44 રનની સરસાઈ…

બ્રિસ્બેનઃ અહીં ગૅબામાં ઍશિઝ (Ashes) સિરીઝમાં રમાતી બીજી ટેસ્ટ મૅચમાં શુક્રવારના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ રમતના અંત સુધીમાં પ્રથમ દાવમાં છ વિકેટના ભોગે 378 રન કર્યા હતા. એક તરફ ઇંગ્લૅન્ડના ફીલ્ડરોએ પોતાના બોલર્સની નબળી બોલિંગ વચ્ચે કુલ પાંચ કૅચ (Catches) છોડ્યા હતા.
કૅમેરન ગ્રીન ક્લીન બોલ્ડ
પાંચ ખેલાડી 40-પ્લસ રન કરી શક્યા હોવાથી યજમાન ટીમને 44 રનની સરસાઈ લેવા મળી છે અને તેમની હજી ચાર વિકેટ પડવાની બાકી છે. જેક વેધરાલ્ડે 72 રન, લાબુશેને 65 રન, કૅપ્ટન સ્ટીવ સ્મિથે 61 રન, ઍલેક્સ કૅરીએ 46 (નૉટઆઉટ) અને કૅમેરન ગ્રીને 45 રન કર્યા હતા. કાર્સના યોર્કરમાં ગ્રીન (Green) વિચિત્ર સ્થિતિમાં ક્લીન બોલ્ડ થયો હતો.
ઑસ્ટ્રેલિયાની છમાંથી ત્રણ વિકેટ બ્રાયડન કાર્સે, બે વિકેટ બેન સ્ટૉક્સે અને એક વિકેટ જોફ્રા આર્ચરે લીધી હતી. ઇંગ્લૅન્ડનો પ્રથમ દાવ 334 રનના સ્કોર પર પૂરો થયો હતો.
ગુરુવારે આખો દિવસ ઑસ્ટ્રેલિયાના બોલર્સ સામે ઝઝૂમનાર જૉ રૂટ છ કલાકથી પણ વધુ સમય સુધી ક્રીઝમાં રહીને બનાવેલા 138 રનના પોતાના સ્કોર પર અણનમ રહ્યો હતો. ઇંગ્લૅન્ડની 10માંથી છ વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી.



