સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા હવે સિરીઝ હારશે નહીં અને ભારત શ્રેણી જીતી નહીં શકે

પહેલા દાવના હીરો નીતીશ રેડ્ડીનો ફક્ત એક રનઃ મેલબર્નમાં વિજયની હૅટ-ટ્રિક ન થઈ શકી

મેલબર્નઃ ભારતે અહીં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં સોમવારે ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે કૅપ્ટન રોહિત શર્મા અને સૌથી પીઢ ખેલાડી વિરાટ કોહલીના ફ્લૉપ-શૉને પગલે કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. કાંગારૂઓએ આ મહત્ત્વની બૉક્સિંગ-ડે ટેસ્ટ 184 રનથી જીતીને સિરીઝમાં 2-1થી અપરાજિત સરસાઈ મેળવી લીધી હતી. હવે ઑસ્ટ્રેલિયા આ શ્રેણી હારશે નહીં અને ભારત જીતી નહીં શકે. સિડનીમાં પાંચમી અને આખરી ટેસ્ટ શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીથી રમાશે જે જીતીને ભારતે શ્રેણી 2-2થી ડ્રૉ કરાવવી પડશે. ભારત જો સિડનીમાં નહીં જીતે તો ઑસ્ટ્રેલિયનો (વિજય સાથે) 3-1થી અથવા (ડ્રૉ સાથે) 2-1થી સિરીઝની ટ્રોફી પર કબજો કરી લેશે.

મેલબર્નના ઐતિહાસિક મેદાન પર 2018 અને 2020 બાદ 2024માં સતત ત્રીજી ટેસ્ટ જીતીને હૅટ-ટ્રિક કરવાની તક ભારતે ગુમાવી દીધી હતી. સતત ત્રીજી વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું ભારતનું સપનું સાકાર થશે એની ધૂંધળી સંભાવના છે. હવે તો બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવવાનું પણ ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ છે.

આ પણ વાંચો: WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયા નહીં જોવા મળે! હાર બાદ પોઈન્ટ ટેબલમાં નુકશાન

ભારતને 74,362 પ્રેક્ષકોની હાજરીમાં આ ટેસ્ટ જીતવા 340 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમ ફક્ત 155 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ટી-ટાઇમ વખતે ભારતીય ટીમને મૅચ ડ્રૉમાં લઈ જવાની ઘણી આશા હતી, પરંતુ છેલ્લા બે કલાકના સત્ર દરમ્યાન ભારતે બાકીની સાતેય વિકેટ ગુમાવી દીધી હતી. 58મી ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 121 રન હતો. જોકે એ પછીના 34 રનમાં સાતેય વિકેટ પડી ગઈ હતી. 80મી ઓવરના પ્રથમ બૉલમાં ભારતનો દાવ 155 રનના સ્કોર પર મોહમ્મદ સિરાજની વિકેટ સાથે પૂરો થયો હતો અને ઑસ્ટ્રેલિયનોનું સેલિબે્રશન શરૂ થઈ ગયું હતું.

મૅન ઑફ ધ મૅચ પૅટ કમિન્સે 28 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને ભારતીય ટીમ માટે સૌથી ઘાતક રહ્યો હતો. તેણે યશસ્વી જયસ્વાલ (84 રન), રોહિત શર્મા (નવ રન) અને કે. એલ. રાહુલ (0)ની વિકેટ લીધી હતી. બીજા પેસ બોલર સ્કૉટ બૉલેન્ડે 39 રનમાં ત્રણ, સ્પિનર નૅથન લાયને 37 રનમાં બે તેમ જ મિચલ સ્ટાર્કે પચીસ રનમાં અને ટ્રેવિસ હેડે 14 રનમાં એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: મેલબર્નમાં ભારતની હારના આ રહ્યા પાંચ કારણ…

યશસ્વી જયસ્વાલ (84 રન, 310 મિનિટ, 208 બૉલ, આઠ ફોર) અને રિષભ પંત (30 રન, 131 મિનિટ, 104 બૉલ, બે ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટેની 88 રનની ભાગીદારી નૉન-રેગ્યુલર બોલર ટ્રેવિસ હેડે તોડી હતી. તેણે ઉતાવળે ખોટું શૉટ-સિલેક્શન કરવા માટે જાણીતા પંતને ઑફ સ્ટમ્પની બહાર શૉર્ટ બૉલ ફેંક્યો હતો જેમાં પંતે પુલ શૉટમાં મિચલ માર્શને આસાન કૅચ આપી દીધો હતો. એ પહેલાં, કોહલીની મહત્ત્વની વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી.

નીતીશ કુમાર રેડ્ડી જેણે બે દિવસ પહેલાં પ્રથમ દાવમાં બહુમૂલ્ય 114 રન બનાવીને ભારતને ફૉલો-ઑનની નામોશીથી બચાવી લીધું હતું, પરંતુ સોમવારે બીજા દાવમાં છેક સાતમા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવ્યા બાદ ફક્ત એક રનના પોતાના સ્કોર પર નૅથન લાયનના બૉલમાં સ્ટીવ સ્મિથના હાથમાં કૅચઆઉટ થયો હતો.

વૉશિંગ્ટન સુંદરે પ્રથમ દાવના 50 રન બાદ બીજા દાવમાં 73 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 45 બૉલમાં પાંચ રન બનાવ્યા હતા અને અણનમ રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા ફક્ત બે રને સ્કૉટ બૉલેન્ડના બૉલમાં વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં કૅચઆઉટ થયો હતો. આકાશ દીપે સાત રન બનાવ્યા હતા, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ઝીરો પર વિકેટ ગુમાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button