ઑસ્ટ્રેલિયાને જીતવા 156 રનની જરૂર, કૅરિબિયનો આઠ વિકેટની તલાશમાં
બ્રિસ્બેન: વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં શનિવારે ત્રીજા દિવસે યજમાન ઑસ્ટ્રેલિયાએ 216 રનના ટાર્ગેટ સામે 60 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે પૅટ કમિન્સની ટીમને જીતવા બીજા ફક્ત 156 રનની જરૂર હોવાથી સિરીઝમાં 2-0થી વ્હાઇટવૉશ કરી શકે એમ છે.
સ્ટીવ સ્મિથે ઓપનિંગમાં રમવાનું શરૂ કર્યું ત્યારથી ખરાબ રમ્યો છે, પરંતુ શનિવારે 33 રને નૉટઆઉટ હતો અને હવે તેની ખરી કસોટી છે. તેની સાથે કોવિડ-ગ્રસ્ત બૅટર કૅમેરન ગ્રીન 9 રને રમી રહ્યો હતો.
ક્રેગ બ્રેથવેઇટના સુકાનમાં રમી રહેલી કૅરિબિયન ટીમનો બીજો દાવ 193 રને પૂરો થઈ ગયો હતો. એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. હૅઝલવૂડ અને નૅથન લાયને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
પહેલા દાવના 311 રનમાં વિકેટકીપર જોશુઆ દા સિલ્વાના 79 રન અને કેવમ હૉજના 71 રન હતા. ઑસ્ટ્રેલિયાએ પહેલો દાવ 9 વિકેટે 289 રને ડિક્લેર કરીને કૅરિબિયનોને બાવીસ રનની સરસાઈ આપી હતી.