સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી બે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એકેય મૅચ જીત્યા વગર પાછી ગઈ હતી!

લાહોરઃ શનિવાર, બાવીસમી ફેબ્રુઆરીએ અહીંના ગદ્દાફી સ્ટેડિયમમાં વન-ડેના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમ કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામે રમવા ઊતરશે ત્યારે સ્વાભાવિક છે કે એનો (ઑસ્ટ્રેલિયનોનો) મુખ્ય હેતુ જીતવાનો હશે, પણ જો એમાં તેઓ સફળ થશે તો તેમણે ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં 12 વર્ષે પહેલી સફળતા મેળવી કહેવાશે.

વાત એવી છે કે ચૅમ્પિયન્સ ટ્રોફી (2017 બાદ) છેક સાત વર્ષે રમાઈ રહી છે. આ પહેલાં આ ટૂર્નામેન્ટ 2017માં રમાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયાને એકેય મૅચ નહોતી જીતવા મળી અને જીતનું ખાતુ ખોલ્યા વગર ગ્રૂપ સ્ટેજમાંથી જ આ ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. એ પહેલાં, 2013માં ચૅમ્પિયન્સ ટ્રોફી રમાઈ હતી અને એમાં પણ ઑસ્ટ્રેલિયા સાથે એવું બન્યું હતું.

આ પણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીના ઓપનિંગમાં જ પાકિસ્તાનની ફજેતી, ક્રિકેટ ક્રેઝીઓ સ્ટેડિયમની દીવાલ પર ચડી ગયા!

2013ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયાના ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડ હતું. ઇંગ્લૅન્ડ અને શ્રીલંકાએ ત્યારે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને ન્યૂ ઝીલૅન્ડ સામે જીતવાની ઑસ્ટ્રેલિયાને આશા હતી, પણ ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં વરસાદને લીધે એ મૅચ અનિર્ણિત રહી હતી અને જ્યોર્જ બેઇલીની ટીમ ગ્રૂપ સ્ટેજમાં સાવ તળિયે રહીને છેવટે ખાલી હાથે સ્વદેશ પાછી ફરી હતી. પાકિસ્તાનની ટીમ પણ એ ટૂર્નામેન્ટમાં એકેય મૅચ નહોતી જીતી શકી.

2017ની ચૅમ્પિયન્સ ટ્રોફી પણ ઇંગ્લૅન્ડમાં રમાઈ હતી અને એમાં પણ ઑસ્ટ્રેલિયાની ટીમ બેહાલ થઈ હતી. ગ્રૂપ સ્ટેજની ત્રણમાંથી તેમની બે મૅચ વરસાદને લીધે રદ થઈ હતી. ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ઑસ્ટ્રેલિયાએ પરાજય જોવો પડ્યો હતો અને ગ્રૂપ સ્ટેજમાં જ કાંગારૂઓની ટીમ સ્પર્ધાની બહાર થઈ જતાં સ્ટીવ સ્મિથના સુકાનમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ગમગીન ચહેરે સ્વદેશ પાછા ગયા હતા.

આ પણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ચૅમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ…

જોકે આ વખતે ફરી એકવાર સ્ટીવ સ્મિથ કૅપ્ટન છે. પૅટ કમિન્સ, જૉશ હૅઝલવૂડ, મિચલ માર્શ, માર્કસ સ્ટોઇનિસ અને મિચલ સ્ટાર્ક જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ આ વખતે ગેરહાજર છે. ખાસ કરીને ફાસ્ટ બોલર્સની આખી મુખ્ય ફોજ નહીં જોવા મળે એટલે ઑસ્ટ્રેલિયાને વિજેતાપદ અપાવીને અગાઉની ભૂલો અને ખામીઓ ભુલાવી દેવાની સ્મિથ ઍન્ડ કંપનીને તક છે. તેમના ગ્રૂપ `બી’માં ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button