Border – Gavaskar Series: એડિલેડ ટેસ્ટના (Adelaide Test) ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ 175 રનમાં જ સમેટાઈ જતાં ઑસ્ટ્રેલિયાને જીતવા માત્ર 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ (India vs Australia) કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઉસ્માન ખ્વાજા 9 અને નાથન 10 રન બનાવી નૉટ આઉટ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી પેટ કમિંસે શાનદાર બૉલિંગ કરી હતી અને 5 વિકેટ ઝડપી હતી. સ્કૉટ બોલેંડને 3 અને સ્ટાર્કને 2 સફળતા મળી હતી. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ (Nitish Reddy) સર્વાધિક 42 રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવ્યા હતા. જેમાં ટ્રેવિસ હેડે 140 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને 4-4 સફળતા મળી હતી. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગના આધારે ભારત પર 157 રનની લીડ લીધી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં 180 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીએ 42 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 48 રનમાં 6 વિકેટ લીધી હતી.
ભારતના ધૂરંધર બેટ્સમેનો બીજી ઈનિંગમાં પણ ખાસ કમાલ બતાવી શક્યા નહોતા. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ફરી એક વખત નિરાશ કર્યા હતા. બંને અનુક્રમે 11 અને 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. એડિલેડ ટેસ્ટમાં જીત સાથે 5 મેચની સીરિઝ હાલ 1-1થી બરાબર થઈ ગઈ છે. ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી હતી. 14 ડિસેમ્બરથી ગાબા, બ્રિસબેનમાં ત્રીજી ટેસ્ટ શરૂ થશે.
ભારતની હારના કારણો
બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શનઃ બોર્ડર-ગાવસ્કર સીરિઝની બીજી ટેસ્ટમાં ભારતની હારનું કારણ બેટ્સમેનોનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. બંને ઈનિંગમાં થઈ ભારતનો એકપણ બેટ્સમેને ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. બંને ઈનિંગમાં નીતિશ રેડ્ડી ટૉપ સ્કોરર રહ્યો હતો.
નબળી ફિલ્ડિંગઃ એડિલેડમાં રમાયેલી ડે નાઇટ ટેસ્ટમાં ભારતની હારનું કારણ નબળી ફિલ્ડિંગ પણ હતી. ઑસ્ટ્રેલિયાના ટૉપ સ્કોરર ટ્રેવિસ હેડ (140 રન)નો મોહમ્મદ સિરાજે કેચ છોડ્યો હતો. આ સિવાય પણ ભારતીય ફિલ્ડરોએ ઘણી ભૂલો કરી હતી.