AUS VS ENG: બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યુંઃ સ્ટાર્ક હેઝલવુડનો તરખાટ

લીડ્સઃ ઓસ્ટ્રેલિયાએ બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. હેરી બ્રુકની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડને 68 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાએ વન-ડેમાં સતત 14મી જીત નોંધાવી છે.
મિશેલ માર્શની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા પાંચ વન-ડેની સીરિઝમાં 2-0થી આગળ છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 44.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ 67 બોલમાં સૌથી વધુ 74 રન કર્યા હતા જ્યારે મિશેલ માર્શે 59 બોલમાં 60 રનનું યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના 270 રનના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ સારી બેટિંગ કરી શકી નહીં. ઈંગ્લેન્ડની આખી ટીમ 40.2 ઓવરમાં 202 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે વિકેટકીપર જેમી સ્મિથે 61 બોલમાં સૌથી વધુ 49 રન કર્યા હતા.
આ પણ વાંચો : IND Vs BAN: અશ્વિને અકરમનો તોડ્યો વિક્રમ, પિતા સાથે અશ્વિને કર્યું કંઈક આવું…
આ સિવાય બેન ડકટે 25 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. આદિલ રાશિદે 34 બોલમાં 27 રન કર્યા હતા. જ્યારે બેર્ડન કોર્સ અને જેકબ બેથેલે અનુક્રમે 26 રન અને 25 રનનું યોગદાન આપ્યું હતું, આથી ઈંગ્લેન્ડને સતત બીજી વનડેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને 3 સફળતા મળી છે. આ સિવાય જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ અને એરોન હાર્ડીએ 2-2 વિકેટ લીધી હતી. ગ્લેન મેક્સવેલે 6 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત એડમ ઝમ્પાએ 1 વિકેટ લીધી હતી.