નવોદિત મિચલ ઑવેને વૉર્નર-પોન્ટિંગની બરોબરી કરી
ડેબ્યૂ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝને નડ્યો, ઑસ્ટ્રેલિયા 1-0થી આગળ

કિંગસ્ટન: ઑસ્ટ્રેલિયાએ યજમાન વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ તાજેતરમાં 3-0થી લીધી ત્યાર પછી હવે ટી-20 શ્રેણી (T20 series)ની પ્રથમ મૅચ જીતીને 1-0થી સરસાઈ મેળવી લીધી છે. 23 વર્ષનો નવો ઑલરાઉન્ડર મિચલ ઑવેન (Mitchell Owen) કૅરિબિયનોને ભારે પડ્યો હતો. તેણે પોતાની આ પહેલી જ ટી-20 ઇન્ટરનનૅશનલ મૅચમાં હાફ સેન્ચુરી ફટકારીને ડેવિડ વોર્નર તથા રિકી પોન્ટિંગની બરાબરી કરી હતી. ઑવેને આ ડેબ્યૂ (Debut) મેચમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ જીતી લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝે (West Indies) બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 189 રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં (સાત બૉલ બાકી રાખીને) સાત વિકેટે 190 રન કરીને મૅચ જીતી લીધી હતી.
આઈપીએલમાં પંજાબ કિંગ્સ વતી રમી ચૂકેલો ઑવેન રાઈટ હૅન્ડ બૅટ્સમેન અને રાઈટ હૅન્ડ પેસ બોલર છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપ (55 રન)ની વિકેટ લીધી હતી અને પછી 27 બૉલમાં છ સિક્સરની મદદથી 50 રન કર્યા હતા. ઑવેનની આ પહેલી જ આંતરરાષ્ટ્રીય મૅચ હતી. તેણે પીઢ બૅટ્સમૅન કૅમેરન ગ્રીન (51 રન, 26 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) સાથે પાંચમી વિકેટ માટે 80 રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી. એ અગાઉ કેપ્ટન મિચલ માર્શ 24 રન, વિકેટકીપર જૉશ ઇંગ્લિસ 18 રન તથા ગ્લેન મૅક્સવેલ 11 રન બનાવીને આઉટ થયો હતો. ગુડાકેશ મૉટી, અલ્ઝારી જૉસેફ અને પીઢ પેસ બોલર જૅસન હોલ્ડરે બે-બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, વેસ્ટ ઇન્ડિઝે આઠ વિકેટે જે 189 રન કર્યા હતા એમાં રોસ્ટન ચેઝ (60 રન)નું સૌથી મોટું યોગદાન હતું. સિમરોન હૅટમાયરે 19 બૉલમાં ત્રણ સિક્સર અને બે ફોરની મદદથી 38 રન કર્યાં હતા.
જોકે વેસ્ટ ઇન્ડીઝને 200 રનના જાદુઈ આંકડા સુધી ન પહોંચવા દેવામાં ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર બેન ડવારશૂઇસનું સૌથી મોટું યોગદાન હતું. તેણે 36 રનમાં સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લા નવ બૉલમાં ફક્ત પાંચ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સિરીઝની બીજી ટી-20 મૅચ બુધવારે (ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યાથી) રમાશે.
આ પણ વાંચો…કરુણ નાયરે ઇંગ્લૅન્ડમાં બેસીને લીધો આ મોટો નિર્ણય, અચાનક ટીમ બદલી!