AUS W VS IND W: પહેલી વન-ડેમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી
મુંબઇઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયન મહિલા સામે છ વિકેટથી પરાજય થયો હતો. ફોબે લિચફિલ્ડ (78), એલિસ પેરી (75), બેથ મૂની (42), તાહલિયા મેકગ્રા (68)એ ટીમને જીત અપાવી હતી. પ્રથમ વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે જેમિમાહ રોડ્રિગ્સની 82 રનની શાનદાર ઇનિંગ અને પૂજાના અણનમ 62 રનની શાનદાર ઇનિંગને કારણે ભારતે આઠ વિકેટે 282 રન કર્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 282 રન કર્યા હતા. ભારત તરફથી જેમિમાહ રોડ્રિગ્સે સૌથી વધુ 82 રન ફટકાર્યા હતા. પૂજા વસ્ત્રાકરે અણનમ 62 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહેમે બે-બે વિકેટ લીધી હતી. ડાર્સી બ્રાઉન, એનાબેલ સધરલેન્ડ, મેગન શુટ અને અલાના કિંગે એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા એક રન કરી આઉટ થઇ હતી. આ પછી યાસ્તિકા ભાટિયાએ રિચા ઘોષ સાથે બીજી વિકેટ માટે 29 રનની ભાગીદારી કરી હતી. રિચા 20 બોલમાં 21 રન કરીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર કંઈ ખાસ કરી શકી ન હતી અને નવ રનમાં પેવેલિયન પરત ફરી હતી.
યાસ્તિકા 64 બોલમાં 49 રન કરીને આઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્મા પણ 21 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. અમનજોત કૌને 20 રન અને સ્નેહ રાણાએ એક રનનું યોગદાન આપ્યું હતું. જેમિમાહ રોડ્રિગ્સ સદી ચૂકી ગઈ હતી. તેણે 77 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી.