ઑસ્ટ્રેલિયાએ 28 રનમાં સાત વિકેટ ગુમાવી એટલે શ્રીલંકાએ કરી લીધી ક્લીન સ્વીપ…

કોલંબોઃ ઑસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકા સામેની બન્ને ટેસ્ટ જીતીને 2-0થી એનો વાઇટ-વૉશ કર્યો હતો, પણ આજે શ્રીલંકાએ એને બીજી અને અંતિમ વન-ડેમાં એને શરમજનક રીતે હરાવીને 2-0ની ક્લીન સ્વીપ સાથે ટેસ્ટની હારનો તાબડતોબ બદલો લઈ લીધો હતો. વન-ડેમાં ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ચૅમ્પિયન છે, પણ અહીંની વન-ડેમાં એનું કંઈ નહોતું ચાલ્યું. સ્ટીવ સ્મિથના સુકાનમાં ઑસ્ટ્રેલિયન ટીમે માત્ર 28 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી જેને પગલે ચરિથ અસલન્કાના નેતૃત્વમાં શ્રીલંકાએ 174 રનથી વિજય મેળવ્યો હતો.
ચૅમ્પિયન્સ ટ્રોફીને પાંચ દિવસ બાકી છે ત્યારે વિશ્વ વિજેતા ઑસ્ટ્રેલિયાએ આવી ખરાબ હાર જોવી પડી એટલે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તેના ગ્રૂપની બાકીની ટીમો (ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન) જોશમાં આવી જશે. 2013 તથા 2017ની ગઈ બે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયા એકેય મૅચ નહોતું જીતી શક્યું અને આ વખતે આવી હાર જોઈને સ્પર્ધામાં ઊતરશે એટલે એણે ગ્રૂપ સ્ટેજની મૅચો જીતવા ભારે સંઘર્ષ કરવો પડશે.
ઑસ્ટ્રેલિયાને જીતવા 281 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે મુશ્કેલ નહોતો. 33 રનમાં એની ત્રણ વિકેટ પડી ગઈ હોવાથી ખરાબ શરૂઆતને લીધે પરાજય તોળાતો તો હતો જ, પરંતુ વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (બાવીસ રન) અને સ્ટીવ સ્મિથ (29 રન) વચ્ચે ચોથી વિકેટ માટે 46 રનની ભાગીદારી થતાં ઑસ્ટ્રેલિયાની વિજયની આશા જીવંત રહી હતી.
જોકે 79 રનના કુલ સ્કોર પર ઇંગ્લિસ બાવીસ વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર દુનિથ વેલાલાગેના બૉલમાં ક્લીન બોલ્ડ થયો એ સાથે કાંગારૂઓની ટીમના વળતા પાણી શરૂ થઈ ગયા હતા. 79 રનના સ્કોરથી માંડીને કુલ 28 રનમાં કુલ સાત વિકેટ પડી હતી. 282 રનના લક્ષ્યાંક સામે 24.2 ઓવરમાં ઑસ્ટ્રેલિયાનો 107 રનના સ્કોર પર ઘડોલાડવો થઈ ગયો હતો. 107 રનના ટીમ-સ્કોરમાં સ્ટીવ સ્મિથના 29 રન હાઇએસ્ટ હતા. સ્પિનર વેલાલાગેએ ચાર વિકેટ તેમ જ પેસ બોલર અસિથા ફર્નાન્ડો સ્પિનર વનિન્દુ હસરંગાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
એ પહેલાં, શ્રીલંકાએ બૅટિંગ લીધા બાદ ચાર વિકેટે જે 281 રન બનાવ્યા હતા એમાં વિકેટકીપર કુસાલ મેન્ડિસ (101 રન, 115 બૉલ, અગિયાર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. કૅપ્ટન અસલન્કા (78 અણનમ, 66 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) તથા નિશાન મદુશ્કા (51 રન, 70 બૉલ, એક સિક્સર, ચાર ફોર)નો પણ જીતમાં ફાળો હતો.
કુસાલ મેન્ડિસને મૅન ઑફ ધ મૅચનો અને ચરિથ અસલન્કાને સિરીઝમાં સૌથી વધુ 205 રન બનાવવા બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.