AUS vs PAK: વરસાદના વિઘ્ન વચ્ચે પાકિસ્તાન સામે ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ
મેલબોર્નઃ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. મંગળવારે જ શરૂ થયેલી મેચમાં વરસાદના કારણે વિક્ષેપ પડ્યો હતો અને પહેલા દિવસે માત્ર 66 ઓવરની જ રમાઈ શકી હતી, જ્યારે ડેવિડ વોર્નરે નવો વિક્રમ રચીને રોહિત શર્મા અને સ્ટીવ વોનો રેકોર્ડ તોડ્યો હતો.
વોર્નરે 83 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 38 રન કર્યા હતા, પરંતુ નવો રેકોર્ડ બનાવ્યો હતો. ડેવિડ વોર્નરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાવતીથી સૌથી વધુ રન બનાવવામાં બીજા નંબરનો ખેલાડી બન્યો હતો. વોર્નરે સ્ટીવ વોને પાછળ છોડી દીધો છે. સ્ટીવ વોએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18,496 રન કર્યા હતા.
વોર્નરના નામે હાલમાં ત્રણેય ફોર્મેટ સહિત 18,502 રન છે. હવે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોમાં રિકી પોન્ટિંગથી પાછળ છે. પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 27,368 રન કર્યા હતા.
ડેવિડ વોર્નર સિવાય ખ્વાજાએ 101 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 42 રનની ઇનિંગ રમી હતી. ખ્વાજા હસન અલીના હાથે કેચ આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથ 75 બોલમાં 26 રન કરીને આમિર જમાલનો શિકાર બન્યો હતો. પાકિસ્તાન તરફથી હસન અને સલમાનને એક-એક વિકેટ મળી છે.
પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને 187 રન કર્યા હતા. માર્નસ લાબુશેન 44 રન અને ટ્રેવિસ હેડ નવ રન કરીને અણનમ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી આગા સલમાને તોડી હતી. તેણે વોર્નરને બાબર આઝમના હાથે કેચ કરાવ્યો હતો.