AUS V/s NZL લાયનની ગર્જના સામે કિવીઓ મીંદડી બની ગયા
ઑસ્ટ્રેલિયન ઑફ સ્પિનરે ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર 18 વર્ષનો રેકૉર્ડ તોડ્યો

વેલિંગ્ટન: ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ 0-3થી હારી ગયા પછી ન્યૂ ઝીલૅન્ડને ઘરઆંગણે કાંગારૂઓ સામે જ સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતવાની બહુ સારી તક મળી હતી, રવિવારના ચોથા દિવસે પ્રથમ સત્રમાં પણ કિવીઓએ 369 રનનો લક્ષ્યાંક મેળવવાની આશા સાથે શરૂઆત કરી હતી, પણ ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયન (27-8-65-6) ત્રાટકવાનો જે ડર હતો એવું જ થયું અને જાણે લાયનની ગર્જના સામે ન્યૂ ઝીલૅન્ડના બૅટર્સ ઝૂકી ગયા. 369 રનના ટાર્ગેટ સામે કિવીઓની ટીમ 196 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ અને ઑસ્ટ્રેલિયાનો 172 રનના જંગી માર્જિન સાથે વિજય થયો.
ન્યૂ ઝીલૅન્ડે શનિવારના ફાઇટબૅકને કારણે 1-0થી સરસાઈ લેવાની તૈયારી ઑલમોસ્ટ કરી લીધી હતી. એ દિવસે ગ્લેન ફિલિપ્સની પાંચ વિકેટને લીધે ઑસ્ટ્રેલિયા 164 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. 369 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં ન્યૂ ઝીલૅન્ડે 111 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર શનિવારે 56 રને નૉટઆઉટ હતો, પરંતુ તે ફક્ત બીજા ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. લાયનના બૉલમાં તે ઑફ સ્ટમ્પની બહારના બૉલને છેડવા જતાં કૅમેરન ગ્રીનને આસાન કૅચ આપી બેઠો હતો.
લાયને બીજા પાંચ શિકાર પણ કર્યા હતા. તેણે ટૉમ લૅથમ (8), કેન વિલિયમસન (8), ટૉમ બ્લન્ડેલ (0), ગ્લેન ફિલિપ્સ (1) અને કૅપ્ટન ટિમ સાઉધી (7)ની પણ વિકેટ લીધી હતી. બે વિકેટ જૉશ હૅઝલવૂડને અને એક-એક વિકેટ ટ્રેવિસ હેડ તથા કૅમેરન ગ્રીનને મળી હતી. કિવી બૅટર ડેરિલ મિચલના 38 રન કિવી ટીમના બૅટર્સમાં સેક્ધડ-હાઈએસ્ટ હતા.
લાયને પ્રથમ દાવમાં ચાર વિકેટ લીધી હતી. આખી મૅચમાં કુલ 10 વિકેટ લેનાર આ ઑફ સ્પિનરે 128 ટેસ્ટની કરીઅરમાં કુલ 527 વિકેટ લીધી છે.
ન્યૂ ઝીલૅન્ડમાં 2006ની સાલ પછી એક પણ બોલર ટેસ્ટમાં કુલ 10 વિકેટ લેવામાં સફળ નહોતો થયો, પણ લાયને સફળતા મેળવીને 18 વર્ષનો વિક્રમ તોડ્યો છે અને મૅચ વિનર બન્યો છે. 2006માં વેલિંગ્ટન ટેસ્ટમાં શ્રીલંકાના મુથૈયા મુરલીધરને તેમ જ ન્યૂ ઝીલૅન્ડના સ્પિનર ડેનિયલ વેટોરીએ ટેસ્ટમાં કુલ 10 વિકેટ લીધી હતી.
રવિવારે કૅમેરન ગ્રીન (અણનમ 174 રન અને 34 રન)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ બે ટેસ્ટની વર્તમાન શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી છે.