દિલ્હીમાં વિશ્વસ્પર્ધા બાદ 20 દેશના દિવ્યાંગ ઍથ્લીટ ધુળેટી રમ્યા…
વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં ભારત 95 મેડલ સાથે નંબર-વન

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં દિવ્યાંગ ઍથ્લીટો માટે આયોજિત વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં ભાગ લીધા પછી ક્લોઝિંગ સેરેમની બાદ આજે 20 દેશના ઍથ્લીટો ઉત્સાહભેર ધુળેટી રમ્યા હતા.

તમામ દેશના ખેલાડીઓ અને ઍથ્લીટોએ ભારતીય ઍથ્લીટો પાસેથી આ પરંપરાગત તહેવારનું મહાત્મ્ય જાણીને એમાં રંગોથી એકમેકને રંગીને કેવી રીતે આ તહેવારને યાદગાર બનાવી શકાય એ જાણ્યું હતું અને પછી એમાં પૂરા જોશ અને જુસ્સાથી ભાગ લીધો હતો.
પીટીઆઇના અહેવાલ મુજબ દિલ્હી સ્થિત આ વિશ્વ સ્પર્ધા સાથે સત્તાવાર પાર્ટનર તરીકે જોડાયેલી `સ્વયં’ સંસ્થાએ તમામ દેશોના ઍથ્લીટોના આ સેલિબે્રશનનું આયોજન પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા સાથેના સહયોગમાં કર્યું હતું.
Also read : ભારતીય ક્રિકેટરોનું ટીમ બસમાં યાદગાર ‘રંગ બરસે…’
વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિ આઠમી માર્ચે શરૂ થઈ હતી જેમાં 20થી વધુ દેશના કુલ 350 દિવ્યાંગ ઍથ્લીટોએ ભાગ લીધો હતો જેમાં તેમણે પોતાના કૌશલ્ય અને સંકલ્પ ભાવના બતાવ્યા હતા અને મેડલ્સ જીત્યા હતા. ચંદ્રક જીતી ન શકનાર ઍથ્લીટોએ અનેકનાં દિલ જીતી લીધા હતા.

ભારત વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં પ્રથમ સ્થાને રહ્યું હતું. ભારતના દિવ્યાંગ ઍથ્લીટો 33 ગોલ્ડ, 29 સિલ્વર અને 33 બ્રૉન્ઝ સહિત કુલ 95 મેડલ જીત્યા હતા. કેટલાક દેશોના સમૂહ સમાન ન્યૂટ્રલ પૅરા ઍથ્લીટ્સ (એનપીએ)ના ખાતે કુલ 13 ગોલ્ડ સહિત 26 મેડલ હતા, જ્યારે ઉઝબેકિસ્તાન ચાર ગોલ્ડ સહિત કુલ 16 મેડલ સાથે ત્રીજા સ્થાને હતું.
આ ચૅમ્પિયનશિપમાં ઑસ્ટ્રેલિયા, જાપાન, બ્રાઝિલ સહિત ઘણા જાણીતા દેશોના દિવ્યાંગ ઍથ્લીટોએ પણ ભાગ લીધો હતો અને તેઓ ભારત કરતાં ઘણા પાછળ રહી ગયા હતા.