
નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય શૂટર અનીશ ભાનવાલાએ સોમવારે કોરિયાના ચાંગવાનમાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયનશિપની પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને શૂટિંગમાં 12મો પેરિસ ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો.
અનીશ ભાનવાલા સિલ્વર મેડલ જીતનાર જાપાનના ડાઈ યોશિયોકા સામે શૂટઆઉટમાં હારી ગયો હતો. કરનાલના 21 વર્ષીય શૂટરે ફાઇનલમાં 28 ટાર્ગેટ કર્યા હતા.
શૂટર લી ગુનહ્યોકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અનીશ ભાનવાલાએ ફાઇનલમાં પહોંચીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોટા મેળવ્યો હતો કારણ કે ચીન, જાપાન અને કોરિયાએ આ ઇવેન્ટમાં પહેલાથી જ બે ઓલિમ્પિક ક્વોટા મેળવ્યા હતા.
ભાનવાલા સિવાય ફાઇનલમાં પહોંચેલા અન્ય શૂટર્સ ચીન, જાપાન અને કોરિયાના હતા. ભાનવાલા 588 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશન સ્ટેજમાં ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યો હતો