ભારતના હકની ટ્રોફી આજ-કાલમાં મુંબઈ નહીં મોકલાય તો મંગળવારે આઇસીસીની મીટિંગમાં પાકિસ્તાનનું આવી બનશે | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારતના હકની ટ્રોફી આજ-કાલમાં મુંબઈ નહીં મોકલાય તો મંગળવારે આઇસીસીની મીટિંગમાં પાકિસ્તાનનું આવી બનશે

મુંબઈઃ 28મી સપ્ટેમ્બરે દુબઈમાં સૂર્યકુમાર યાદવ અને તેની ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને પછડાટ આપીને જીતેલી એશિયા કપની બહુમૂલ્ય ટ્રોફી જો એકાદ-બે દિવસમાં બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના હેડ-ક્વૉર્ટરમાં નહીં પહોંચી જાય અને જો પાકિસ્તાન તરફથી આ ટ્રોફી વિશેની મડાગાંઠ નહીં ઉકેલાય તો મંગળવાર, ચોથી નવેમ્બરે દુબઈમાં યોજાનારી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મીટિંગમાં બીસીસીઆઇ પાકિસ્તાનની ખબર જ લઈ નાખશે.

એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. એ ટૂર્નામેન્ટમાં ભારતના હાથે પાકિસ્તાની ટીમે ખાધેલી એ સતત ત્રીજી લપડાક હતી. જોકે ફાઇનલ બાદ ભારતીય ટીમે દુશ્મન દેશ પાકિસ્તાનના પ્રધાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચૅરમૅન મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી એટલે નકવીની ડાગળી ચસકી ગઈ હતી અને તેમણે પોતાના અધિકારીઓને ટ્રોફી તથા ભારતીય ખેલાડીઓ માટેના મેડલ મેદાન પરના ટેબલ પરથી ઊંચકીને એસીસીના કબાટમાં રાખી દેવાની સૂચના આપી હતી. આ બધી હકની અને મૂલ્યવાન ચીજો ગુમ થઈ ગયા પછી સૂર્યકુમાર તથા તેની ટીમે વર્ચ્યુઅલ ટ્રોફી સાથે વિજેતાપદની ઉજવણી કરી હતી જે વિશ્વભરમાં વાઇરલ થઈ હતી.

નકવી જીદ પકડીને બેઠો છે કે ભારતે ટ્રોફી તો તેના હાથે જ સ્વીકારવી પડશે. ભારતે વિજેતાપદ મેળવ્યાને એક મહિનો થઈ ગયો છતાં બીસીસીઆઇ સુધી એ ટ્રોફી નથી પહોંચી. થોડા દિવસ પહેલાં એક અહેવાલ હતો કે નકવીએ ટ્રોફી દુબઈથી લઈને અબુ ધાબીમાં પહોંચાડી દીધી છે.

બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ પીટીઆઇને કહ્યું હતું કે ` તેમણે (મોહસિન નકવીએ) ટ્રોફી હજી પણ પોતાના કબજામાં જ રાખી છે. અમે આશા રાખીએ છીએ કે એક-બે દિવસમાં એ ટ્રોફી મુંબઈમાં બીસીસીઆઇના વડા મથકે પહોંચાડી દેવાશે. જો એવું નહીં થાય તો અમે ચોથી નવેમ્બરે આઇસીસીની બેઠકમાં એ મુદ્દો જરૂર ઉઠાવીશું.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button