એશિયા કપઃ સુપર-4માં પાકિસ્તાન માટે ‘કરો યા મરો’ મેચઃ આવતીકાલે શ્રીલંકા સામે ટકરાશે

અબુ ધાબીઃ એશિયા કપ 2025માં સુપર-4માં ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાન આજે શ્રીલંકા સામે ટકરાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા ગ્રુપ તબક્કામાં અજેય રહ્યું હતું, પરંતુ પ્રથમ સુપર- 4 મેચમાં બાંગ્લાદેશ સામે ચાર વિકેટથી હાર્યું હતું. આનાથી ટી-20 એશિયા કપમાં તેનો વિજય રથ અટકાયો હતો. બીજી બાજુ, પાકિસ્તાનની ટીમ રવિવારે એકતરફી મેચમાં કટ્ટર હરીફ ભારત સામે હારી ગઈ હતી, જે આ વર્ષના એશિયા કપમાં ભારત સામે તેમની સતત બીજી હાર હતી.
ભારત અને બાંગ્લાદેશના બે-બે પોઈન્ટ છે અને સૂર્યકુમાર યાદવની ટીમ વધુ સારા રન રેટના આધારે ટેબલમાં આગળ છે. શ્રીલંકા અને પાકિસ્તાન ત્રીજા અને ચોથા સ્થાને છે. સલમાન આગાની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાની ટીમે હવે કોઈ પણ કિંમતે જીત મેળવવી પડશે. પાકિસ્તાનની ટીમને ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ અને સિનિયર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની ખોટ વર્તાઈ રહી છે. તેમના બેટ્સમેન ટેકનિક અને વલણની દ્રષ્ટિએ બિનઅનુભવી સાબિત થયા હતા.
ભારત સામે ટોચના ક્રમના બેટ્સમેન સાહિબઝાદા ફરહાન, ફખર ઝમાન અને સૈમ અયુબે થોડી આશા જગાવી હતી અને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. સતત ત્રણ મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ અયુબે વધુ સારું પ્રદર્શન કર્યું પરંતુ બાદમાં પાકિસ્તાની બેટ્સમેન લય જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. લેગ-સ્પિનર અબરાર અહેમદ ફક્ત ઓમાન અને યુએઈ જેવી ટીમો સામે જ સફળ રહ્યો અને ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકવામાં બિલકુલ નિષ્ફળ રહ્યો હતો.
આ પણ વાંચો:નઝર હટી, દુર્ઘટના ઘટી: સૂર્યાના હાથે પાકિસ્તાનનો નવાઝ ઊંઘતો ઝડપાયો
બીજી તરફ શ્રીલંકાનો નબળો મિડલ ઓર્ડર્સ ચિંતાનો વિષય છે. દાસુન શનાકાએ બાંગ્લાદેશ સામે પાંચમા ક્રમે સારી બેટિંગ કરી હતી. ગ્રુપ સ્ટેજમાં સતત બે અડધી સદી ફટકારનાર પથુમ નિસાન્કા હવે પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. કુસલ મેન્ડિસ અને કામિલ મિશારા સારા ફોર્મમાં છેય બોલિંગમાં ઝડપી બોલર નુવાન તુષારાએ પ્રભાવિત કર્યા છે અને ટુર્નામેન્ટમાં છ વિકેટ લીધી છે. સ્પિનરો વાનિન્દુ હસરંગા, દુષ્મન્થા ચમીરા, ચરિથ અસલંકા અને શનાકાએ પણ યોગદાન આપ્યું છે.