સ્પોર્ટસ

એશિયા કપ ફાઈનલઃ વરસાદનું વિઘ્ન આવે તો આ રીતે નક્કી કરાશે ચેમ્પિયન…

કોલંબોઃ ગઈ કાલે બાંગ્લાદેશ સામે પરાજિત થયેલી ક્રિકેટપ્રેમીઓ અને ટીમ ઈન્ડિયાની નજર હવે એશિયા કપની ફાઈનલ પર ટકેલી છે. આવતીકાલે કોલંબોના આ. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. પરંતુ આ મેચ પણ પણ વરસાદનું વિઘ્ન તોળાઈ રહ્યું છે. હવે આ બધા વચ્ચે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે જો આવતીકાલે પણ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં વરસાદ પડે તો શું થશે, શું મેચ રિઝર્વ ડે પર રમાશે કે પછી આ વખતે પણ વહેંચાયેલા વિજેતા જ જોવા મળશે? ડોન્ટ વરી અમે અહીં તમારા આ તમામ સવાલોના જવાબ લઈને આવ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-શ્રીલંકાની ફાઇનલ મેચ 17મી સપ્ટેમ્બરના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે રમાશે. હવે હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાયેલા અનુમાન અનુસાર શનિવારે કોલંબોમાં વરસાદની શક્યતા 90 ટકા જેટલી છે. જોકે, રાહતની વાત એ છે કે ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે, પરંતુ સોમવારે પણ કોલંબોમાં વરસાદની શક્યતા 70 ટકાની આસપાસ છે.

ટૂંકમાં જો 17મી સપ્ટેમ્બરના વરસાદને કારણે મેચ નહીં રમાય તો આ મેચ બીજા દિવસે એટલે કે 18મી સપ્ટેમ્બરના રમાશે. આ ઉપરાંત જો બંને દિવસ વરસાદને કારણે મેચમાં વિઘ્ન આવે છે અને 20-20 ઓવરની મેચ પણ નહીં રમાય તો ટ્રોફી ભારત અને શ્રીલંકા વચ્ચે વહેંચવામાં આવશે, એટલે બંને ટીમને વિનર જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે એશિયા કપ 2023નું આખેઆખું ટાઈમટેબલ ખોરવાઈ ગયું હતું. અનેક મેચ પૂરી થઈ શકી નથી અને કેટલીક મેચો રદ કરવી પડી છે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે શ્રીલંકામાં કોઈ ટૂર્નામેન્ટ યોજાઈ હોય અને એમાં વરસાદને કારણે અવરોધ ઊભો થયો હોય. આ પહેલાં 2002માં જ્યારે અહીં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ હતી અને વરસાદના કારણે ફાઈનલ મેચ થઈ શકી ન હતી. રસપ્રદ વાત તો એ છે કે આ વર્ષે પણ ભારત અને શ્રીલંકા ફાઇનલમાં પહોંચ્યા હતા અને તેમણે ટ્રોફી શેર કરવી પડી હતી. પરણામે 21 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન તો તો નહીં થાય ને એવો ભય પણ ક્રિકેટપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button