એશિયા કપ માટેની ટીમમાં કોણ કેમ સામેલ? કોને કેમ જગ્યા ન મળી?
સ્પોર્ટસ

એશિયા કપ માટેની ટીમમાં કોણ કેમ સામેલ? કોને કેમ જગ્યા ન મળી?

મુંબઈઃ અહીં મંગળવારે બપોરે મેઘરાજાના પ્રકોપ વચ્ચે મુંબઈનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, પરંતુ થોડા વિલંબ બાદ અજિત આગરકર (Ajit Agarkar) અને તેમના સાથી સિલેક્ટરોએ (Selectors) વાનખેડે ખાતે બીસીસીઆઇના ક્રિકેટ સેન્ટરમાં આગામી નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા ટી-20 એશિયા કપ માટેની 15 ખેલાડીઓની ટીમ નક્કી કરવા મીટિંગ યોજી હતી અને ટીમ નક્કી કર્યા પછી બપોરે 3.00 વાગ્યા પહેલાં એની જાહેરાત કરી હતી.

ટીમમાં કોઈ નવાઈ પમાડે એવું સિલેક્શન નહોતું, પરંતુ યુવાન તથા અનુભવી ખેલાડીઓના સમાવેશવાળી આ ટીમ (Team) એશિયા કપના લીગ રાઉન્ડના ગ્રૂપ ` એ’ની હરીફ ટીમો યુએઇ તથા ઓમાન તેમ જ ખાસ કરીને પાકિસ્તાનને જરૂર ભારે પડશે. અમુક ખેલાડીઓને તેમની વિશેષતાને કારણે સમાવવામાં આવ્યા છે. કેટલાક ખેલાડીઓના સમાવેશની અપેક્ષા હતી, પરંતુ તેમને સામેલ નથી કરવામાં આવ્યા.

ભારત એશિયા કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. આ એશિયા કપ (Asia cup) આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારા ટી-20ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટી-20 ફૉર્મેટમાં રાખવામાં આવ્યો છે. ભારતની પાકિસ્તાન સામેની લીગ મૅચ 14મી સપ્ટેમ્બરે રમાશે અને ત્યાર બાદ 21મી સપ્ટેમ્બરે તથા 28મી સપ્ટેમ્બરે પણ બન્ને કટ્ટર દેશ વચ્ચે મુકાબલો થવાની પાકી સંભાવના છે. ગ્રૂપ ` બી’માં શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હૉન્ગ કૉન્ગ છે.

BCCI

કોણ ટીમમાં શા માટે સામેલ? કોને કેમ નથી સિલેક્ટ કરાયા?

સૂર્યકુમાર યાદવઃ ભારતની ટી-20 ટીમનો આ મુખ્ય સુકાની સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી બાદ પૂર્ણપણે ફિટ છે અને એશિયા કપની મહત્ત્વની સ્પર્ધા માટેની ટીમનું સુકાન પણ તેને સોંપવામાં આવ્યું છે. ટૉપ-ઑર્ડરમાં તે ટીમ માટે જીતનો પાયો નાખી આપવા કાબેલ છે.

શુભમન ગિલઃ ભારત વતી છેલ્લે જુલાઈ, 2024માં ટી-20 રમ્યો હતો, પરંતુ આઇપીએલના પર્ફોર્મન્સ બદલ તેમ જ ખાસ કરીને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં બનાવેલા હાઇએસ્ટ 754 રન બદલ તેને એશિયા કપમાં રમવાની તક અપાઈ છે.

જિતેશ શર્માઃ આ વિકેટકીપર બૅટ્સમૅનને અજિત આગરકર ઍન્ડ કંપનીએ ખાસ કરીને આઇપીએલ અને ડોમેસ્ટિક મૅચોમાંના સારા પર્ફોર્મન્સને કારણે સંજુ સૅમસનની પહેલાં ટીમમાં સિલેક્ટ કર્યો છે. જોકે સૅમસન પણ ટીમમાં છે. બની શકે કે ઓપનિંગમાં અભિષેક શર્માની સાથે શુભમન ગિલને મોકલવામાં આવશે તો સૅમસને કદાચ બેન્ચ પર બેસી રહેવું પડશે.

સંજુ સૅમસનઃ 2025ની આઇપીએલમાં સૅમસન ઈજાને કારણે ઓછી મૅચો રમ્યો હતો. જોકે છેલ્લી 10 ટી-20 ઇન્ટરનૅશનલમાં તેના બે ઝીરો સામે ત્રણ સેન્ચુરી (111, 107 અને 109 અણનમ) હોવાથી સિલેક્ટરોને તેની બૅટિંગ પર ભરોસો તો છે જ.

હાર્દિક પંડ્યાઃ ટીમનો આ મુખ્ય ઑલરાઉન્ડર ઘણો અનુભવી હોવાથી ટીમને ખૂબ ઉપયોગી થશે. જૂન, 2024માં સાઉથ આફ્રિકા સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે તેની અંતિમ ઓવરમાં જ વિજય મેળવ્યો હતો.

અભિષેક શર્માઃ ફાંકડી ફટકાબાજી માટે જાણીતો આ ઓપનિંગ બૅટ્સમૅન સ્પિનર તરીકે પણ ટીમને કામ લાગી શકે.

અક્ષર પટેલઃ આ સ્પિન ઑલરાઉન્ડર મર્યાદિત ઓવર્સની મૅચોમાં ટીમનો મુખ્ય ખેલાડી છે, પરંતુ તેની પાસેથી વાઇસ-કૅપ્ટનપદ લઈને શુભમન ગિલને સોંપાયું છે.

તિલક વર્માઃ મિડલ-ઑર્ડરમાં આ આક્રમક અને સમજદાર બૅટ્સમૅન ટીમ માટે જીતનો પાયો નાખી શકવાની ક્ષમતા ધરાવે છે.

રિન્કુ સિંહઃ આઇપીએલમાં સાધારણ પર્ફોર્મ કર્યું હોવાથી એશિયા કપની ટીમમાં સ્થાન મેળવવું તેના માટે મુશ્કેલ હતું, પરંતુ ટીમમાં વધારાના સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમૅનને સમાવવાના નિર્ણયને લીધે તેને એશિયા કપમાં રમવાનો મોકો મળવાનો છે.

જસપ્રીત બુમરાહઃ ભારતના આ મુખ્ય ફાસ્ટ બોલરનો ટીમમાં સમાવેશ કોઈ પણ ભોગે થવાનો જ હતો. ચીફ સિલેક્ટર આગરકરે કહ્યું છે કે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ચોથી મૅચ પછી તેને સારો આરામ મળી ગયો છે અને તેના વિશે ટીમ મૅનેજમેન્ટનો કોઈ ખાસ પ્લાન નહોતો. તેને એશિયા કપ જેવી મોટી સ્પર્ધા (તથા ખાસ કરીને પાકિસ્તાનના સામના માટેની) ટીમમાં સમાવવાનો જ હતો અને સમાવ્યો.

શિવમ દુબેઃ અનેક તક મેળવનાર આ પેસ બોલિંગ ઑલરાઉન્ડરને વધુ એક મોટી સ્પર્ધામાં રમવાનો મોકો અપાયો છે.

અર્શદીપ સિંહઃ આ લેફ્ટ-આર્મ પેસ બોલરને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ન રમવા મળ્યું, પણ હવે એશિયા કપમાં અચૂક રમવા મળશે. તેણે ભારત વતી 63 ટી-20માં 99 વિકેટ લીધી છે. તે ન્યૂ બૉલ બોલર હોવા ઉપરાંત ડેથ ઓવર્સમાં પણ ખૂબ કામ લાગે છે.

વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવઃ આ બે ખેલાડી અક્ષર પટેલ ઉપરાંતના બે મુખ્ય સ્પિનર છે અને ખાસ કરીને 14મી સપ્ટેમ્બરની પાકિસ્તાન સામેની મૅચમાં આ ત્રણ સ્પિનરમાંથી કોને રમવા મળશે એ જોવું રહ્યું. તેઓ બૅટિંગમાં પણ થોડા કામ લાગી શકશે.

હર્ષિત રાણાઃ આ ફાસ્ટ બોલરે આઇપીએલમાં કુલ 34 મૅચમાં 40 વિકેટ લીધી છે, પરંતુ ભારત વતી ફક્ત એક ટી-20 રમ્યો છે. તેને વધારાના ફાસ્ટ બોલિંગ-વિકલ્પ તરીકે જ પસંદ કરવામાં આવ્યો છે.

વૉશિંગ્ટન સુંદરઃ તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અવ્વલ દરજ્જાના ઑલરાઉન્ડર જેવું પર્ફોર્મ કર્યું હતું, પરંતુ સિલેક્ટરોએ રિન્કુ સિંહના રૂપમાં વધારાનો સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમૅન લીધો હોવાથી વૉશિંગ્ટનને સ્ટૅન્ડ-બાયમાં રાખવામાં આવ્યો છે.

શ્રેયસ ઐયરઃ ચીફ સિલેક્ટર અજિત આગરકરે કહ્યું છે કે ` શ્રેયસને અમે તેની કોઈ કચાશને લીધે નથી પસંદ કર્યો એવું નથી. ટીમમાં ભરપૂર ટી-20 ટૅલન્ટ હોવાથી શ્રેયસને તક નથી મળી.’

યશસ્વી જયસ્વાલઃ આ ઓપનરને રિઝર્વ્ડ પ્લેયર્સમાં સ્થાન મળ્યું છે, પરંતુ મુખ્ય ટીમમાં નહીં. અભિષેક શર્મા એક વર્ષથી સારું રમ્યો છે અને તે સ્પિન બોલર તરીકે પણ કામમાં આવતો હોવાથી યશસ્વીને મુખ્ય ટીમમાં નથી સમાવાયો.

ભારતીય ટીમઃ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન, બૅટ્સમૅન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન, બૅટ્સમૅન), જિતેશ શર્મા (વિકેટકીપર-બૅટ્સમૅન), સંજુ સૅમસન (વિકેટકીપર-બૅટ્સમૅન), હાર્દિક પંડ્યા (પેસ બોલિંગ ઑલરાઉન્ડર), અભિષેક શર્મા (ઓપનિંગ બૅટ્સમૅન, સ્પિનર), તિલક વર્મા (બૅટ્સમૅન), શિવમ દુબે (પેસ બોલિંગ ઑલરાઉન્ડર), રિન્કુ સિંહ (બૅટ્સમૅન), અક્ષર પટેલ (સ્પિન ઑલરાઉન્ડર), જસપ્રીત બુમરાહ (પેસ બોલર), અર્શદીપ સિંહ (પેસ બોલર), વરુણ ચક્રવર્તી (સ્પિનર), કુલદીપ યાદવ (સ્પિનર) અને હર્ષિત રાણા (પેસ બોલર).

રિઝર્વ ખેલાડીઓઃ
પ્રસિદ્ધ ક્રિષ્ના (પેસ બોલર), વૉશિંગ્ટન સુંદર (સ્પિન ઑલરાઉન્ડર), રિયાન પરાગ (બૅટ્સમૅન, સ્પિનર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર-બૅટ્સમૅન) અને યશસ્વી જયસ્વાલ (ઓપનિંગ બૅટ્સમૅન).

આ પણ વાંચો…બીસીસીઆઇએ ` ગંભીર ઈજામાં ખેલાડીના રિપ્લેસમેન્ટ’નો નિયમ અપનાવ્યોઃ હવે આઇસીસી અનુકરણ કરશે?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button