એશિયા કપ ફાઇનલ: 17મી સપ્ટેમ્બરના ફરી ટકરાશે ઈન્ડિયન અને શ્રીલંકન ટીમ….
કોલંબો: ગુરુવારે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક સેમી ફાઇનલ મેચમાં શ્રીલંકાએ છેલ્લા બોલ પર બાજી પલટીને પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી છેલ્લા બોલ પર મેચ જીતવા માટે શ્રીલંકાને 2 રનની જરુર હતી અને અસલંકાએ પોતાની ટીમને આ જીત અપાવી હતી.
શ્રીલંકન ટીમથી મળેલી હાર બાદ ફાઇનલમાં પહોંચવાનું પાકિસ્તાની ટીમનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આ સાથે જ હવે 17મી સપ્ટેમ્બરના ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ ફાઇનલ મેચ રમાશે.
પાકિસ્તાને આપેલા 253 રનના ટાર્ગેટ સામે બેટિંગ કરતાં શ્રીલંકાએ સારી શરુઆત કરી હતી. જોકે, ચોથી ઓવરમાં 20 રનના સ્કોર પર કે પરેરા 17 રન બનાવી શાદબ ખાનની બોલિંગમાં રન આઉટ થઈ ગયો હતો. 14મી ઓવરમાં 77 રનના સ્કોર પર પી નિસ્ન્કા 29 રનના પર્સનલ સ્કોર પર શાદબ ખાનની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. જોકે, 30મી ઓવરમાં સમરાવિક્રમા 48 રન બનાવી આઉટ થયો હતો. 36મી ઓવરમાં મેન્ડિસ આઉટ થયો હતો. મેન્ડિસે 87 બોલમાં 91 રન બનાવ્યા હતા. છેલ્લા ઓવરમાં લંકાએ વધુ બે વિકેટ ગુમાવી હતી. જોકે અસલંકાએ બાજી સંભાળી લેતાં શ્રીલંકાને જીત અપાવી હતી.
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લેતા 42 ઓવરમાં 7 વિકેટ પર 252 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન મોહમ્મદ રિઝવાને બનાવ્યા હતા. રિઝવાને 73 બોલમાં 6 ફોર અને 2 સિક્સ ફટકારીને 86 રન કર્યા હતા. જ્યારે ઓપનર અબ્દુલ્લાહ શાફિકે 69 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 52 રન કર્યા હતા. ઇફ્તિખાર અહેમદે 40 બોલમાં 47 રન કર્યા હતા. જ્યારે કેપ્ટન બાબર આઝમ 35 બોલમાં 29 રન બનાવવામાં સફળ રહ્યો હતો.
શ્રીલંકા તરફથી સૌથી વધુ વિકેટ મથિસા પથિરાનાએ લીધી હતી એ વિશે વાત કરીએ તો પથિરાનાએ 8 ઓવરમાં 65 રન આપીને 8.13 સરેરાશ સાથે 3 વિકેટ હરીફ ટીમને ઝડપી લીધી હતી. ત્યાર બાદ પ્રમોદ મદુશાને 7 ઓવર નાંખીને 2 વિકેટ લીધી હતી. મદુશાને એક ઓવર મેડન નાંખી હતી. જ્યારે મહિશ તીક્ષ્ણા અને દુનિથ વેલાલેજને એક એક વિકેટ મળી હતી. શ્રીલંકાના બોલર્સે પાકિસ્તાને બેટ્સમેનને હાથ ખોલીને રમવાની તક આપી નહોતી અને સારી બોલિંગ કરી હતી.