પરિવાર માટે સમય કાઢજો, બોલિંગમાં નવી તરકીબો વિશે વિચારજો…: અશ્વિનને પત્ની પ્રીતિએ `લવ લેટર’માં બીજું ઘણું લખ્યું!
ચેન્નઈઃ રવિચન્દ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી એને પગલે તેના અસંખ્ય ચાહકો હતાશ હશે ત્યાં બીજી બાજુ અશ્વિનના પરિવારજનો એક રીતે ખુશ હશે, કારણકે અશ્વિન હવે તેમને ઘણો સમય આપી શકશે. અશ્વિનની શાનદાર કરીઅર વિશે અને હવે તેણે અંગત જીવનમાં શું કરવું એની પત્ની તરીકેની સલાહ આપતી પોસ્ટમાં પ્રીતિએ ઘણી બધી હૃદયસ્પર્શી વાતો લખી છે.
પ્રીતિએ ખાસ તો અશ્વિન માટે એવું લખ્યું છે કે હવે તમે પોતાની શરતે જિંદગી જીવજો, પરિવાર માટે સમય કાઢજો અને બોલિંગમાં નવા વૅરિએશન્સ વિશે વિચારજો…’. 38 વર્ષના સ્પિન-લેજન્ડ અશ્વિને બ્રિસ્બેન ખાતેની ત્રીજી ટેસ્ટ પછી અચાનક જ નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે ટેસ્ટમાં 537 વિકેટ, વન-ડેમાં 156 વિકેટ અને ટી-20માં 72 વિકેટ લીધી હતી. તે આઇપીએલ સહિતની લીગ ટૂર્નામેન્ટોમાં રમવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો : આર અશ્વિન સાથે પક્ષપાત કરવામાં આવ્યો! નિવૃત્તિ બાદ સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ પર પ્રીતિએએક ફૅન ગર્લનો લવ લેટર’ના રૂપમાં પતિ અશ્વિનને ભવ્ય કારકિર્દીને બિરદાવવાની સાથે અંજલિ આપી હતી. પ્રીતિએ લખ્યું, ડિયર અશ્વિન, કિટ બૅગ કેવી રીતે તૈયાર કરવી એની અજ્ઞાનતાથી માંડીને વિશ્વભરમાં તારી સાથે સ્ટેડિયમોની સફર માણવી, તારી સફળતા માટે શુભેચ્છા આપવી, ટીવી પર તને રમતો જોવો અને તારી પાસેથી કંઈકને કંઈક નવું શીખવું. આ બધું મેં ખૂબ માણ્યું. તેં એવા વિશ્વ (ક્રિકેટજગત) સાથે મને જોડી દીધી જેને (મારી પ્રિય રમતને) નજીકથી માણવાનું મને સૌભાગ્ય મળ્યું.’ પ્રીતિએ પતિ અશ્વિનને એક ક્રિકેટલવર પત્ની તરીકે લખેલા લેટરમાં એવું પણ લખ્યું છે કેપોતાની જવાબદારી નિભાવવામાં કેવા પૅશન, કેવી મહેનત અને કેવી શિસ્તબદ્ધતાની જરૂર પડે એ પણ મને જોવા મળ્યું. મને યાદ છે, આપણી વચ્ચે ચર્ચા થતી હતી કે તમારે આવું બધુ શા માટે કરવું પડતું હોય છે.
તમે જો સતતપણે પોતાના કૌશલ્યને ધારદાર ન બનાવતા રહો અને જોઈએ એવું કામ ન કરો તો પ્રશંસા, પુરસ્કાર, રેકૉર્ડ્સનો કોઈ અર્થ નથી. ક્યારેક તમે ગમે એટલું કરો અને બધુ કરી છૂટો તો એ પણ પૂરતું નથી હોતું. મારે તમને એટલું જ કહેવું છે કે બધુ સારું થઈ જશે. પોતાના પર જે પ્રકારનો બોજ મહેસૂસ કરો છો એનાથી હવે પોતાને મુક્ત માનજો. તમે હવે પોતાની શરતે (પોતાને ઠીક લાગે એ રીતે) જિંદગી માણજો. વધારાની કૅલરી માટે જગ્યા બનાવજો.
પરિવાર માટે વધુ સમય કાઢજો, કંઈ પણ ન કરવા માટેનો સમય પણ કાઢજો. દિનભર મીમ્સ શૅર કરતો, બોલિંગમાં નવી તરકીબો તૈયાર કરજો, બાળકોને હેરાન’ નહીં કરતા…બસ આટલું કરજો.’ બેચરલ ઑફ ટેક્નોલૉજી (બીટેક)માં ગે્રજ્યુએશન કરનાર અશ્વિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી જૂન, 2010માં શરૂ થઈ હતી અને તેણે નાનપણની મિત્ર પ્રીતિ નારાયણન સાથે નવેમ્બર, 2011માં લગ્ન કર્યા હતા. એ રીતે, પ્રીતિ લગભગ આખી ક્રિકેટ-કરીઅર દરમ્યાન અશ્વિનની સાથે રહી છે.
પ્રીતિએ લેટરમાં વધુમાં લખ્યું છે કે13-14 વર્ષમાં ઘણી યાદગાર પળો માણી, ઘણા મોટા વિજય જોયા, તમને મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ (11 પુરસ્કાર, વર્લ્ડ રેકૉર્ડ) મેળવતા જોયા, સંઘર્ષપૂર્ણ મૅચ રમ્યા પછી આપણા રૂમમાં એકદમ શાંતિ સાથે ગંભીર વાતાવરણ જોયું, વીડિયોના એક પછી એક ફૂટેજ પર નજર કરતા તમને જોયા, કેટલાક ગીતો વારંવાર વાગતા સંભળાયા, વગેરે. આ બધા ઉપરાંત આપણે અમુક બાબતોમાં ભેગા મળીને આનંદનો આવેશ પણ ખૂબ માણ્યો.
ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, મેલબર્નની જીત, સિડનીની ડ્રૉ, ગૅબા (બ્રિસ્બેન)નો વિજય, ટી-20માં કરેલું કમબૅક. આ બધા આનંદની યાદગાર ક્ષણો આપણે માણી. ક્યારેક આપણે મૌન સેવીને બેઠા રહ્યા અને ક્યારેક દિલ તૂટ્યા પછીની ગંભીર ક્ષણો પણ વીતાવી.’