અશ્ર્વિને આવું કેમ કહ્યું, ‘હું સિડનીમાં બંગલો બંધાવીશ અને આખો માલદીવ ટાપુ જ ખરીદી લઈશ’
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સ પછી ભારતની મેન્સ તથા વિમેન્સ ક્રિકેટ ટીમની એક પછી એક સિરીઝ-ટૂર્નામેન્ટ શરૂ થઈ જશે તેમ જ દુલીપ ટ્રોફી, રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટો પણ યોજાશે. જોકે એમાં 2025ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વાતો પણ ભરપૂર સાંભળવા મળશે જેમાં ખાસ કરીને મેગા પ્લેયર્સ-ઑક્શનની તડામાર તૈયારીઓના સમાચાર આવતા રહેશે. રવિચન્દ્રન અશ્ર્વિને આઇપીએલમાં ‘ખાસ મનસૂબા સાથે’ રમવા આવતા વિદેશી ખેલાડીઓ માટે ટકોર કરી છે.
યાદ છેને, વિદેશી ખેલાડીઓ સામાન્ય રીતે વધુ મોટા કૉન્ટ્રૅક્ટ મેળવવાની લાલચમાં મેગા ઑક્શન ટાળીને મિની ઑક્શનમાં નામ લખાવતા હોય છે. જોકે બીસીસીઆઇ આવો મનસૂબો રાખતા અને યોગ્ય કારણ વગર છેલ્લી ઘડીએ આઇપીએલમાંથી નામ પાછું ખેંચી લેતા વિદેશી ખેલાડીઓ પર બે વર્ષનો બૅન મૂકવા વિચારે છે.
આઇપીએલની કોઈ એક ટીમે સિલેક્ટ કર્યો હોવા છતાં વજૂદવાળા કારણ વગર છેલ્લી ઘડીએ એમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેતા ખેલાડીઓ સામે કડક પગલાં લેવાની ફ્રેન્ચાઇઝીઓની માગણીની અશ્ર્વિને તરફેણ કરી છે.
આઇપીએલના અત્યાર સુધીના તમામ સૌથી મોંઘા નવ ખેલાડીને મિની ઑક્શનમાં જ ખરીદવામાં આવ્યા છે. મિચલ સ્ટાર્ક વર્ષો બાદ આઇપીએલમાં પાછો રમવા આવ્યો અને ગયા વર્ષે તેને સૌથી મોટા 24.75 કરોડ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યો હતો. પૅટ કમિન્સ (20.50 કરોડ રૂપિયા) પણ મિની ઑક્શનમાં જ ખરીદવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે મિની ઑક્શનમાં ટીમો પાસે મર્યાદા સાથેના વાપરવા માટેના પૈસા વધુ હોય છે, પરંતુ તેમણે બહુ ઓછા ખેલાડીઓને ખરીદવાના હોય છે એટલે એકાદ-બે ખેલાડી કરોડો રૂપિયામાં ન્યાલ થઈ જ જતા હોય છે.
અશ્ર્વિને યુટ્યૂબ પરની પોતાની ચૅનલમાં કહ્યું છે, ‘એક નવો નિયમ આવી રહ્યો છે જે બધુ બદલી નાખશે. બધા વિદેશી ખેલાડીઓ શું કરતા હોય છે? મેગા ઑક્શનને ટાળો, બસ. આજે મેગા ઑક્શન છે, પણ હું તો શહેરમાં મારા ફાર્મ પર જવાનો છું. હું આ મેગા ઑક્શનને બદલે મિની ઑક્શનમાં જઈશ કે જેથી હું સિડનીમાં આ મિની ઑક્શન માટે મોટો બંગલો બનાવી શકું. કાલે તો હું માલદીવ ટાપુ જ ખરીદી લેવાનો છું. પરમ દિવસે હું ફિજી ટાપુમાં મોટું જહાજ ખરીદીશ. તેઓ અત્યાર સુધી મિની ઑક્શનમાં જ આવ્યા છે. તેઓ માનતા હોય છે કે ભારતના ખેલાડીનું સૌથી ઊંચુ મૂલ્ય એ તેમનું મૂલ્ય હોય છે, બાકી આપણે તો (મૂલ્યની દૃષ્ટિએ) ધારીએ એટલા ઊંચે જઈ શકીએ.’