અશ્વિનની સફળતા જોઈને શું હરભજનને ઇર્ષા થઈ હતી? અફવા પર ભજજીએ આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટને મળેલા બે મહાન ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (R. Ashwin) અને હરભજન સિંહ (Harbhajan Singh) હવે તો નિવૃત્ત છે, પણ તેઓ ક્યારેક કોઈ પત્રકારને અથવા કોઈ જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને ઇન્ટરવ્યૂ દરમ્યાન પોતપોતાની જૂની રસપ્રદ વાતો સંભળાવતા હોય છે, પરંતુ તાજેતરમાં એવું બન્યું જેમાં યુટ્યૂબ (YouTube) પર ખુદ અશ્વિને હરભજનનો ઇન્ટરવ્યૂ (interview) લીધો હતો જેમાં બન્નેએ ખુલ્લા મનથી વાતચીત (talk) કરી હતી.
આ મુલાકાત દરમ્યાન અશ્વિને ભજ્જીને એક જૂનો અને બહુચર્ચિત સવાલ પૂછ્યો હતો. અશ્વિને તેને પૂછી લીધું કે ` શું તને ક્યારેય મારી અદેખાઈ થતી હતી?’
આપણ વાંચો: બદલાપુરમાં બાળકીઓ પર થયેલા અત્યાચાર સામે હરભજન સિંહ થયા આક્રમક, સીએમ શિંદેને ટેગ કરી કહ્યું….
બન્ને સ્પિનરે લીધી પુષ્કળ વિકેટો
સૌથી પહેલાં તો આપણે બન્નેની કરીઅર પર અને આંકડાની માયાજાળ પર નજર કરી લઈએ. ઑલરાઉન્ડર અશ્વિન 38 વર્ષનો છે. તેણે 2011થી 2024 સુધીની 13 વર્ષની કરીઅર દરમ્યાન કુલ 750થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટો લીધી હતી અને છ સેન્ચુરી સહિત કુલ 4,500થી વધુ રન કર્યા હતા. ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં તે 537 વિકેટ સાથે વિશ્વમાં આઠમા સ્થાને અને ભારતીયોમાં અનિલ કુંબલે (619) પછી બીજા નંબરે છે.
અશ્વિને ડિસેમ્બર, 2024માં ગૅબા ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓચિંતો સંન્યાસ જાહેર કરી દીધો હતો અને ઑસ્ટ્રેલિયાથી સ્વદેશ પાછો આવી ગયો હતો.
હરભજન સિંહ 417 ટેસ્ટ વિકેટ સાથે ટેસ્ટના શ્રેષ્ઠ બોલર્સમાં 15મા નંબરે છે. તે 45 વર્ષનો છે. તેણે 1998થી 2016 સુધીની 18 વર્ષની કારકિર્દી દરમ્યાન કુલ 700થી વધુ વિકેટ લીધી હતી અને 3,500થી વધુ રન કર્યા હતા.
આપણ વાંચો: ટીમ ઈન્ડિયાને હરભજન સિંહની સલાહ, ઇંગ્લેન્ડ સામે સ્પિનરની જોડીને રમાડો…
અશ્વિને હરભજનને શું પૂછ્યું?
અશ્વિને 2011માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને થોડા જ સમયમાં તે હરભજનની જગ્યાએ ભારતનો મુખ્ય સ્પિનર બની ગયો હતો. પરિણામે, હરભજનને બહુ ઓછી મૅચ રમવા મળતી હતી જેને પગલે એવી અફવા ઉડી હતી કે અશ્વિનથી હરભજન નારાજ છે અને અશ્વિનની તેને ઇર્ષા પણ થાય છે.
અશ્વિને કહ્યું છે કે જો કોઈ તબક્કે હરભજનને તેની ઇર્ષા થતી હશે તો પણ તેનાથી તે નારાજ નહોતો, કારણકે માનવીમાં આવો ભાવ તો સ્વાભાવિક કહેવાય. ઇન્ટરવ્યૂ દરમ્યાન અશ્વિને હરભજનને પૂછ્યું, ` લોકો દરેક બાબતને પોતાના દૃષ્ટિકોણથી જોતા હોય છે.
ઉદાહરણ આપું તો, મારા વિશે જો કોઈ ટિપ્પણી કરે તો તે એવું માને કે બાકીના લોકો પણ દુનિયાને એ જ દૃષ્ટિકોણથી જુએ. ભજ્જી, કહેવાય છે કે તમને એ માણસની ઇર્ષા થતી હતી જે અત્યારે તમને ઇર્ષા વિશેનો સવાલ પૂછી રહ્યો છે. એ વિશે થોડું કહેશો?’
ભજ્જીએ અશ્વિનને શું જવાબ આપ્યો?
અશ્વિનનો આ સવાલ સાંભળીને હરભજન હસી પડ્યો. ભજજીએ દરેક અફવાને ખોટી ગણાવતાં સામા બે સવાલ પૂછતાં કહ્યું, ` શું તમને લાગે છે કે હું એવો માણસ છું? જો મને તમારી ઇર્ષા થતી હોત તો આજે હું તમારી સામે બેસીને વાતચીત કરતો હોત?’
અશ્વિન અને હરભજન એક વાત પર સહમત હતા કે મોટા ભાગે લોકો પોતાના વિચારો અન્યો પર ઠોકી બેસાડવા માગતા હોય છે અને ઘણી વાર ખોટી ધારણાઓ પણ બાંધીને દુનિયા સમક્ષ વ્યક્ત કરતા હોય છે.
ભારતના આ બન્ને સ્પિન-લેજન્ડે મુલાકાત દરમ્યાન જૂની વાતો યાદ કરીને દર્શકો સુધી પહોંચાડી હતી. તેમણે એકમેકના કેટલાક અનુભવો પણ વ્યક્ત કર્યા હતા.