અશ્વિન બિગ બૅશમાં જોડાનારો પ્રથમ ભારતીય, પણ શરૂઆતની મૅચો ગુમાવશે…જાણો શા માટે | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

અશ્વિન બિગ બૅશમાં જોડાનારો પ્રથમ ભારતીય, પણ શરૂઆતની મૅચો ગુમાવશે…જાણો શા માટે

ભારતીય સ્પિન-લેજન્ડ કેમ પાકિસ્તાનના શાદાબ ખાન સાથે અને બાબર આઝમ સામે રમશે?

સિડનીઃ આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેનાર સ્પિનિંગ-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિન (Ravichandran Ashwin) ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ) ટી-20 ટૂર્નામેન્ટમાં રમવાનો કરાર કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. તેણે સિડની થન્ડર ટીમના ફ્રૅન્ચાઇઝી સાથે કરાર કર્યા છે. જોકે તે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)ની ઇન્ટરનૅશનલ લીગ ટી20 (આઇએલટી20)માં પણ રમવાનો હોવાથી અને એ બે ટૂર્નામેન્ટની તારીખો ટકરાતી હોવાથી અશ્વિન બિગ બૅશ (Big Bash)માં શરૂઆતના ત્રણેક અઠવાડિયા કદાચ નહીં રમી શકે.

અશ્વિન યુએઇની આઇએલટી20માં 1,20,000 ડૉલર (1.06 કરોડ રૂપિયા)ની સૌથી ઊંચી બેઝ-પ્રાઇસમાં સાઇન થયો છે. અશ્વિને ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેમ જ આઇપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવાથી તે વિશ્વની કોઈ પણ સત્તાવાર લીગમાં રમી શકે છે. બિગ બૅશ 14મી ડિસેમ્બરે શરૂ થશે, પરંતુ આઇએલટી20 બીજી ડિસેમ્બરે શરૂ થઈ ચૂકી હશે અને ચોથી જાન્યુઆરી સુધી ચાલશે એટલે અશ્વિન બિગ બૅશની ઘણી મૅચો નહીં રમી શકે. મુખ્ય વાત એ છે કે તે બિગ બૅશની લગભગ છેલ્લી ત્રણ જ મૅચ રમશે અને સિડની થન્ડર ફાઇનલમાં પહોંચશે તો એમાં પણ રમશે.

વૉર્નરની કૅપ્ટન્સીમાં રમશે અશ્વિન

ડેવિડ વૉર્નર સિડની થન્ડરનો કૅપ્ટન અને ઇંગ્લૅન્ડના વર્લ્ડ કપ-વિનિંગ કોચ ટ્રેવર બેલિસ આ ટીમના હેડ-કોચ છે. ઓપનિંગ બૅટ્સમૅન સૅમ કૉન્સ્ટેસ આ ટીમમાં છે અને પૅટ કમિન્સ પણ ટીમ સાથે જોડાયેલો છે. અશ્વિન અને વૉર્નર વચ્ચે સારી મિત્રતા છે અને અશ્વિન તેના નેતૃત્વમાં રમશે.

બોલતાં પહેલાં વિચાર કર, કર્મનો સિદ્ધાંત પોતાને પણ લાગુ પડે છેઃ અશ્વિને આવું કોના માટે કહ્યું?

બિગ બૅશમાં અશ્વિનની ખૂબ ડિમાન્ડ છે, કારણકે બિગ બૅશના ચાર ફ્રૅન્ચાઇઝીએ તેને મેળવવામાં રસ બતાવ્યો હતો. છેવટે સિડની થન્ડરે તેને સાઇન કરવામાં સફળતા મેળવી હતી. તેને મેળવવામાં રસ બતાડનાર બીજી ત્રણ ટીમમાં હૉબાર્ટ હરિકેન્સ, સિડની સિક્સર્સ અને ઍડિલેઇડ સ્ટ્રાઇકર્સનો સમાવેશ હતો.

ઉનમુક્ત અને નિખીલ બિગ બૅશમાં રમી ચૂક્યા છે

બે ખેલાડી ઉનમુક્ત ચંદ અને નિખીલ ચૌધરી મૂળ ભારતના છે. ભારતની અન્ડર-19 ટીમ વતી ચૂકેલો ઉનમુક્ત હવે અમેરિકાનો નાગરિક છે અને દિલ્હીમાં જન્મેલો નિખીલ ચૌધરી પંજાબ વતી રમી ચૂક્યો છે, પરંતુ હવે ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે અને ત્યાંની ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે.

આઠમા નંબર સુધીની બૅટિંગ લાઇન-અપનો મોહ ટીમને ડૂબાડશે? અશ્વિને કહ્યું, `કુલદીપને શું કામ નથી રમાડતા?’

અશ્વિન રમશે શાદાબની સાથે અને લેશે બાબરની વિકેટ

અશ્વિન સિડની થન્ડર વતી રમશે અને આ ટીમમાં પાકિસ્તાનના સ્પિનર શાદાબ ખાનનો પણ સમાવેશ હોવાથી અશ્વિને તેની સાથે રમવું પડશે. સિડની થન્ડરની મૅચ જ્યારે સિડની સિક્સર્સ સામે રમાશે ત્યારે અશ્વિનની સિડની સિક્સર્સના બે મુખ્ય બૅટ્સમેન સ્ટીવ સ્મિથ તથા બાબર આઝમ સામે કસોટી થશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button