સ્પોર્ટસ

અશ્વિન સાથે હું આખો દિવસ હતો, પણ નિવૃત્તિ વિશે મને અણસાર પણ ન આપ્યોઃ જાડેજા

બ્રિસ્બેનઃ વર્ષોથી જોડીમાં હરીફ બૅટર્સ પર તૂટી પડનાર રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી અશ્વિનની ઓચિંતી નિવૃત્તિને કારણે તૂટી ગઈ છે. અશ્વિનને આડકતરી રીતે કે સીધી રીતે જાણ થઈ ચૂકી હશે કે (સ્ક્વૉડમાં રવીન્દ્ર જાડેજા તથા વૉશિંગ્ટન સુંદરની હાજરીમાં) પોતાને હવે ઑસ્ટ્રેલિયાની ટૂરમાં બાકી રહેલી બેમાંથી એક પણ ટેસ્ટમાં પોતાને રમવાનો મોકો નહીં એવું માનીને અશ્વિને પ્રવાસમાં અધવચ્ચે અચાનક જ રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હશે. તેણે પોતાની નિવૃત્તિની વાત એટલી હદ સુધી ગુપ્ત રાખી કે તેના સાથી-સ્પિનર રવીન્દ્ર જાડેજાને પણ એનો જરાય અણસાર નહોતો.

આ પણ વાંચો: આર અશ્વિન સાથે પક્ષપાત કરવામાં આવ્યો! નિવૃત્તિ બાદ સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો

જાડેજાએ એક જાણીતી વેબસાઇટને શનિવારે કહ્યું હતું કે અશ્વિન નિવૃત્તિ લઈ રહ્યો છે એની મને છેલ્લી ઘડીએ જાણ થઈ હતી. અમે આખો દિવસ સાથે જ હતા, પણ તેણે જરાય અણસાર પણ નહોતો આપ્યો. હું તો તેના રિટાયરમેન્ટના સમાચાર જાણીને ચોંકી ગયો હતો. પત્રકાર પરિષદની માંડ પાંચ મિનિટ પહેલાં મને જાણવા મળ્યું કે અશ્વિન રિટાયરમેન્ટ જાહેર કરવા જઈ રહ્યો છે.' જાડેજાએ એવું પણ કહ્યું હતું કેઅશ્વિન મેદાન પર મારા મેન્ટર જેવો હતો. અમે ઘણા વર્ષો સાથે રમ્યા હતા. મૅચની પરિસ્થિતિ વિશે તેમ જ હરીફ ટીમના બૅટર્સ શેનો પ્રયત્ન કરી રહ્યા છે અને કેવા પ્રકારના શૉટ રમી શકે એ વિશે અમે મેદાન પર એકમેકને સંદેશ પાસ કરતા રહેતા હતા.’

આ પણ વાંચો: પરિવાર માટે સમય કાઢજો, બોલિંગમાં નવી તરકીબો વિશે વિચારજો…: અશ્વિનને પત્ની પ્રીતિએ `લવ લેટર’માં બીજું ઘણું લખ્યું!

કુંબલે-હરભજન કરતાં અશ્વિન-જાડેજા ચડિયાતા

રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા એકસાથે 58 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે કુલ 587 વિકેટ લીધી હતી. તેમની આ સ્પિન-બેલડી વિકેટોની સંખ્યાની દૃષ્ટિએ સ્પિન-લેજન્ડ અનિલ કુંબલે અને હરભજન સિંહથી ચડિયાતી છે. અશ્વિન-જાડેજાની સહિયારી 587 વિકેટની સરખામણીમાં અનિલ કુંબલે અને હરભજન સિંહની સહિયારી વિકેટની સંખ્યા 501 હતી. એ રીતે, લેગ સ્પિનર કુંબલે અને ઑફ-સ્પિનર ભજ્જીની તુલનામાં ઑફ-સ્પિનર અશ્વિન તથા લેફ્ટ-આર્મ સ્પિનર જાડેજાનો સહિયારો પર્ફોર્મન્સ ચડિયાતો સાબિત થયો છે. હવે આ ચારમાંથી ત્રણ સ્પિનર નિવૃત્ત થઈ ગયા છે અને માત્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજી રમતો રહે છે. આવનારા સમયમાં ટેસ્ટમાં કદાચ જાડેજા અને વૉશિંગ્ટન સુંદર જોડીમાં રમતા જોવા મળી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button