સ્પોર્ટસ

ભારતીયો કોલકાતામાં જે ન કરી શક્યા એ કામ ટ્રૅવિસ હેડે પર્થમાં બ્રિટિશરો સામે કરી દેખાડ્યું

ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસે 124 રનનો લક્ષ્યાંક નહોતી મેળવી શકી, ઑસ્ટ્રેલિયાએ હેડની સદીની મદદથી 205 રનનો ટાર્ગેટ મેળવી લીધો

પર્થઃ છ દિવસની અંદર બીજી એવી ટેસ્ટ રમાઈ જેનો અંત ખૂબ જ વહેલો આવી ગયો અને એમાં ભારતને ઑસ્ટ્રેલિયાએ ઝાંખુ પાડી દીધું છે. વાત એવી છે કે ગયા રવિવારે કોલકાતામાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય બૅટ્સમેનો માત્ર 124 રનનો લક્ષ્યાંક નહોતા મેળવી શક્યા અને હારી જતાં સાઉથ આફ્રિકા સામે 0-1થી પાછળ થઈ ગયા હતા, પરંતુ પર્થમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ઍશિઝ (Ashes) ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા (Australia)ના બૅટ્સમેનોએ બીજા જ દિવસે 205 રનનો ટાર્ગેટ મેળવીને 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. આખી મૅચમાં વિક્રમજનક 123 બૉલમાં કુલ 10 વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (Starc)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

કોલકાતામાં ભારતના બૅટ્સમેનોએ ચોથા દાવમાં વધુ પડતું ડિફેન્સિવ રમીને વિકેટો ગુમાવી હતી. 124 રનનો નાનો લક્ષ્યાંક હોય અને બીજા અઢી દિવસ બાકી હોય ત્યારે ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો જો ક્યારેક સમજદારીથી અને ક્યારેક આક્રમક વલણ અપનાવીને રમે તો હરીફ ટીમના બોલર્સ અને ફીલ્ડર્સ દબાણમાં આવી જાય. જોકે ભારતના કિસ્સામાં એવું નહોતું બન્યું અને માર્કો યેનસેને તેમ જ ત્યાર પછી સ્પિનર્સ સાઇમન હાર્મર, કેશવ મહારાજ અને એઇડન માર્કરમે ભારતીય ટીમને દબાણમાં લાવી દીધી હતી અને એ ટેસ્ટ જીતી લીધી હતી.

આ પણ વાંચો: સ્ટાર્કનો અદ્ભુત કૅચ: ઑસ્ટ્રેલિયાને 205 રનનો લક્ષ્યાંક…

104 વર્ષમાં પહેલી વાર ટેસ્ટ બે દિવસમાં પૂરી

ઍશિઝ સિરીઝમાં કોઈ ટેસ્ટ બે જ દિવસની અંદર પૂરી રમાઈ ગઈ હોય એવું 104 વર્ષ બાદ પહેલી વાર બન્યું છે. આ પહેલાં, 1921માં નૉટિંગહૅમમાં ઍશિઝ ટેસ્ટ બીજા દિવસે પૂરી થઈ ગઈ હતી. ટૂંકમાં, કુલ 26માંથી 11 ટેસ્ટ એકવીસમી સદીમાં બે દિવસમાં પૂરી થઈ છે. ઑસ્ટ્રેલિયાનો ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે આ 100મો ઍશિઝ ટેસ્ટ વિજય છે. કોઈ ટેસ્ટના પહેલા ત્રણ દાવમાં ઓપનિંગ ભાગીદારી એક પણ રન કર્યા વગર (શૂન્યમાં) તૂટી હોય એવું ટેસ્ટના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે.

બાઝબૉલ સ્ટાઇલની બૅટિંગ

પર્થની લૉ-સ્કોરિંગ ટેસ્ટમાં શનિવારના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાને ઇંગ્લૅન્ડે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પહેલા દિવસે 19 વિકેટ અને શનિવારના બીજા દિવસે ઑસ્ટ્રેલિયાના બીજા દાવ પહેલાં બીજી 11 વિકેટ પડી હોવાથી ઑસ્ટ્રેલિયાનો બૅટિંગ ઑર્ડર પણ બીજી ઇનિંગ્સમાં પડી ભાંગશે એવું લાગતું હતું. જોકે ઓપનર ટ્રૅવિસ હેડે (123 રન, 83 બૉલ, 136 મિનિટ, ચાર સિક્સર, સોળ ફોર) શરૂઆતથી જ બાઝબૉલ સ્ટાઇલની (આક્રમક અભિગમથી) બૅટિંગ કરી હતી અને બ્રિટિશ બોલર્સને પોતાના પર હાવી નહોતા થવા દીધા. સામાન્ય રીતે એવું મનાય છે કે ટી-20 જેવી માનસિકતાથી ટેસ્ટમાં બૅટિંગ કરવામાં આવે તો ધાર્યું પરિણામ ન આવે.

ટ્રૅવિસે 123 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો

આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ઘણી એગ્રેસીવ ઇનિંગ્સ રમી ચૂકેલા ટ્રૅવિસ હેડે પર્થમાં 123 રન કરીને 123 વર્ષ જૂનો ઍશિઝનો વિક્રમ તોડી નાખ્યો હતો. તેણે ચોક્કા-છગ્ગાનો વરસાદ વરસાવીને નવા ઓપનર જેક વેધરાલ્ડ (23 રન) સાથે 75 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી અને પછી બીજી વિકેટ માટે માર્નસ લાબુશેન (અણનમ 51) સાથે 117 રનની મૅચ-વિનિંગ પાર્ટનરશિપ કરી હતી. ટ્રૅવિસ હેડ 69 બૉલમાં સદી પૂરીને ઍશિઝના ઇતિહાસમાં ગિલક્રિસ્ટ (57 બૉલમાં સદી) પછીનો બીજો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો છે. જોકે ટ્રૅવિસે ઍશિઝ ટેસ્ટના ચોથા દાવમાં સૌથી ઓછા બૉલમાં સદી ફટકારનાર ઇંગ્લૅન્ડના ગિલ્બર્ટ જેસૉપ (76 બૉલ)નો 123 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો.

હાઇએસ્ટ સ્ટ્રાઇક-રેટનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડ્યો

ટ્રૅવિસ હેડે 148.19ના સ્ટ્રાઇક-રેટ સાથે 123 રન કર્યા હતા. ટેસ્ટમાં સફળ ચેઝ મેળવતી વખતે નોંધાવવામાં આવેલા વ્યક્તિગત સ્ટ્રાઇક-રેટમાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ છે. તેણે ઇંગ્લૅન્ડના જૉની બેરસ્ટૉ (2022માં ન્યૂ ઝીલૅન્ડ સામે 147.82ના સ્ટ્રાઇક-રેટથી સેન્ચુરી)નો વિશ્વ વિક્રમ તોડ્યો હતો.

બે દિવસમાં 32 વિકેટ, તમામ પેસ બોલર્સે લીધી

પર્થની ટેસ્ટમાં શનિવારે બીજા દાવમાં ઑસ્ટ્રેલિયાની બન્ને વિકેટ ઇંગ્લૅન્ડના પેસ બોલર બ્રાયડન કાર્સે લીધી હતી. આ મૅચમાં બે દિવસમાં કુલ 32 વિકેટ પડી હતી અને એ તમામ વિકેટ પેસ બોલર્સે મેળવી હતી. બન્ને ટીમના સ્કોર્સ આ મુજબ હતાઃ ઇંગ્લૅન્ડ 10/172, ઑસ્ટ્રેલિયા 10/132, ઇંગ્લૅન્ડ 10/164 અને ઑસ્ટ્રેલિયા 2/205. કુલ 32 વિકેટમાં જે પેસ બોલર્સનું યોગદાન છે એની વિગત આ મુજબ છેઃ

મિચલ સ્ટાર્ક (7+3=10 વિકેટ),

બ્રેન્ડન ડૉજિટ (2+3=5 વિકેટ),


સ્કૉટ બૉલેન્ડ (4 વિકેટ),


કૅમેરન ગ્રીન (1 વિકેટ),


બેન સ્ટૉક્સ (5 વિકેટ),


બ્રાયડન કાર્સ (3+2=5 વિકેટ),


જોફ્રા આર્ચર (2 વિકેટ).

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button